PM Surya Ghar Yojana Gujarat: PM નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી શરૂ કરાયેલી ‘પીએમ સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના’ ગુજરાતમાં ઊર્જા ક્રાંતિનું પ્રતીક બની રહી છે. રાજ્યમાં 10.84 લાખથી વધુ અરજીઓ અને 6.92 લાખથી વધુ કાર્યરત રૂફટોપ સોલાર સિસ્ટમ સાથે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે. લાખો પરિવારો માટે હવે વીજળીનું બિલ લગભગ શૂન્ય થઈ રહ્યું છે અને સ્વચ્છ ઊર્જા દ્વારા ઘરનું અર્થતંત્ર પણ મજબૂત બની રહ્યું છે.
પીએમ સૂર્ય ઘર યોજનાથી ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું મોડેલ
કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના’ હેઠળ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10.84 લાખથી વધુ લોકોએ યોજના માટે અરજી કરી છે, જે જનભાગીદારીનો નવો રેકોર્ડ છે.
રાજ્યના 6.92 લાખથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે. આ સિસ્ટમો દ્વારા 2,487 મેગાવોટથી વધુ હરિત ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે રાજ્યની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
સામાન્ય પરિવારો માટે બની આશીર્વાદરૂપ યોજના
ગાંધીનગરના સરગાસણમાં રહેતા પ્રશાંત ભટ્ટ સહિત રાજ્યના અનેક પરિવારો આજે પોતાના ઘરમાં સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારી પ્રોત્સાહન અને આકર્ષક સબસિડીના કારણે સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ ઘણો ઓછો બન્યો છે.
કુડાસણના અશોકભાઈએ પોતાના ઘરે 5.2 કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કુલ ₹2.64 લાખનો ખર્ચ કર્યો હતો. જેમાં તેમને કેન્દ્ર સરકાર તરફથી ₹78,964ની સબસિડી મળી હતી. બાકીની રકમ સરળ લોન વ્યવસ્થા દ્વારા ઉપલબ્ધ થતાં તેમને કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
તે જ રીતે, રાયસણના રિમ્પલબેન પટેલના ઘરે આજે એર કન્ડિશનર, ફ્રિજ અને વોશિંગ મશીન સહિતના તમામ વીજ ઉપકરણો સૂર્ય ઊર્જા દ્વારા જ સંચાલિત થાય છે. પરિણામે તેમના ઘરના વીજ બિલનો ખર્ચ લગભગ સમાપ્ત થઈ ગયો છે.
જનજાગૃતિ અભિયાનથી મળ્યો નોંધપાત્ર પ્રતિસાદ
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ‘સોલાર મંથ’ સહિત વિવિધ જનજાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. લોકો સુધી યોજનાની માહિતી પહોંચાડવા અને વધુમાં વધુ નાગરિકોને જોડવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ અભિયાનના પરિણામે રાજ્યે નિર્ધારિત લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર કર્યો છે અને આજે ગુજરાત સમગ્ર દેશમાં રૂફટોપ સોલાર અપનાવવામાં અગ્રેસર બન્યું છે.
₹5,123 કરોડથી વધુની સબસિડી સીધી ખાતામાં જમા
યોજનાની પારદર્શિતા અને સરળ પ્રક્રિયાને કારણે લાભાર્થીઓને મોટી રાહત મળી રહી છે. અત્યાર સુધીમાં કુલ ₹5,123 કરોડથી વધુની સબસિડી ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
આ વ્યવસ્થાને કારણે મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટી છે અને નાગરિકોને સમયસર સહાય મળી રહી છે. સાથે જ દેશના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં પણ આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનો માર! : પંચમહાલમાં જળબંબાકાર! કાલોલમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
કેમ મહત્વપૂર્ણ છે આ સિદ્ધિ?
રૂફટોપ સોલારના વધતા ઉપયોગથી માત્ર વીજળીના ખર્ચમાં ઘટાડો જ નથી થતો, પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળે છે. ઊર્જા આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાન્ય પરિવારોના આર્થિક સશક્તિકરણ તરફ ગુજરાતની આ સિદ્ધિ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.






