અમેરિકાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈલોન મસ્કને મળે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી અને મસ્ક વચ્ચે વન-ટુ-વન બેઠક થઈ શકે છે. ટ્રમ્પ વહિવટી તંત્રમાં મહત્વની ભૂમિકા સંભાળ્યા પછી પીએમ મોદી સાથે મસ્કની આ પ્રથમ મુલાકાત હશે. આ દરમિયાન ભારતમાં AI અને સ્ટારલિંકની સર્વિસ અંગે બંને વચ્ચે વાતચીત થઈ શકે છે.
બપોર પછી થઈ શકે છે મુલાકાત
પીએમ મોદી બુધવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા અને ગુરુવારે બપોરે મસ્કને મળવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે અગાઉ તેઓ 2015માં મળી ચુક્યા છે. પીએમ મોદીએ ટેસ્લા ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જ્યાં મસ્કે આખા પ્લાન્ટની વિઝિટ કરાવી હતી.
આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
અહેવાલો અનુસાર, મોદી અને મસ્ક AI નીતિ, ભારતમાં સ્ટારલિંકની સર્વિસ અને ટેસ્લાના પ્લાન્ટ અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી મોદીનું ધ્યાન ભારતમાં ડિજિટલ ક્રાંતિ અને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવા પર રહેશે. ઈલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે. આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે અને આગામી કેટલાક મહિનાઓમાં આ સેવા શરૂ થઈ શકે છે.
સ્ટારલિંકે માની શરતો
સ્ટારલિંકે ભારતમાં લાઇસન્સ મેળવવા માટે સરકારની શરતો સ્વીકારી છે. કંપનીએ સુરક્ષા અને ડેટા કલેક્શનની શરતો પણ સ્વીકારી છે. હાલમાં કંપની સ્પેક્ટ્રમની ફાળવણીની પ્રક્રિયામાં છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંકની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ આ વર્ષે ભારતમાં શરૂ થશે. જો કે, આ સેવા મોંઘી હશે અને કંપનીના પ્લાનની કિંમત 850 રૂપિયાથી લઈને હજારો રૂપિયા સુધી જઈ શકે છે.





