Home National Pm Modi Phone Call Sri Lanka President West Asia Crisis

પીએમ મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત : વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર કરી મહત્વની ચર્ચા

પીએમ મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત
Published by: Vishal Dave
Last Updated: Mar 24, 2026, 05:28 PM IST

પશ્ચિમ એશિયામાં સતત વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ મહત્વની મંત્રણા દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના તાજા હાલાતથી લઈને વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. એક નજીકના અને વિશ્વસનીય ભાગીદાર તરીકે બંને દેશોએ સહિયારા પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપી વિગતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X હેન્ડલ પર આ વાતચીત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે વાત કરી અને પશ્ચિમ એશિયામાં ઉભરી રહેલી સ્થિતિ પર ચર્ચા કરી. આ દરમિયાન વૈશ્વિક ઉર્જા સુરક્ષાને અસર કરતા અવરોધો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. અમે ભારત અને શ્રીલંકા વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અને પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી લેવાયેલા પગલાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી."

ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે પણ થઈ મંત્રણા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ મંગળવારે મહત્વની ચર્ચા થઈ હતી. આ વાતચીતમાં મધ્ય પૂર્વની બદલાતી સ્થિતિ અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz)ને ખુલ્લી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકા બંને આ બાબતે સતત સંપર્કમાં રહેવા માટે સહમત થયા છે.

ઉર્જા સુરક્ષા અને હોર્મુઝનું મહત્વ

ભારતમાં અમેરિકી રાજદૂત અને દક્ષિણ તેમજ મધ્ય એશિયાના વિશેષ દૂત સર્જિયો ગોરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીએ હોર્મુઝ જલડમરુમધ્યને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આ વિસ્તાર વિશ્વના તેલ પુરવઠા માટે અત્યંત મહત્વનો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે જો આ રૂટ પ્રભાવિત થાય, તો તેની સીધી અસર ભારત અને શ્રીલંકા સહિતના દેશોની ઉર્જા સુરક્ષા પર પડી શકે છે. આથી જ ભારત અત્યારે વૈશ્વિક નેતાઓ સાથે મળીને આર્થિક અને પ્રાદેશિક હિતોના રક્ષણ માટે કૂટનીતિક પ્રયાસો તેજ કરી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now