BREAKING NEWS: જમ્મુ-કશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલાં આતંકી હુમલા બાદ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ તંગદિલી ભરી છે. હાલ બન્ને દેશો વચ્ચે શાબ્દિક લડાઈ ચાલી રહી છે.જોકે,ગમે ત્યારે આ લડાઈ યુદ્ધમાં પણ ફેરવાઈ શકે છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે આજે પહેલગામ હુમલા બાદ પહેલીવાર કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી આ કેબિનેટની બેઠકમાં એક સૌથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બુધવારે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વસ્તિગણતરી અંગે ઐતિહાસિક નિર્ણય લેવાનો નિર્ણય કરાયો છે.આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જાતિગત વસતિગણતરી કરવાનો નિર્ણય લીધો છે. વૈષ્ણવે કહ્યું કે 1947થી જાતિ વસતિગણતરી હાથ ધરવામાં આવી નથી. મનમોહન સિંહે જાતિ વસતિગણતરી વિશે વાત કરી હતી. કોંગ્રેસે જાતિગત વસતિગણતરીના મુદ્દાનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે કર્યો છે. જાતિગત વસતિગણતરી ફક્ત એક કેન્દ્રીય વિષય છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે હવે આ જાતિગત ગણતરીને આગામી મુખ્ય વસતીગણતરીમાં જ સામેલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની સરકારનો આ નિર્ણય દેશભરમાં સમાનતાના આકલન અને કલ્યાણકારીઓ નીતિઓ બનાવવામાં ઉપયોગી સાબિત થશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે કેટલાક રાજ્યોમાં પહેલેથી જ આ દિશામાં કામ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ સમગ્ર દેશ માટે આ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય સાબિત થશે.
કેબિનેટ મીટિંગમાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા. શિલોંગથી સિલચર સુધીના હાઈસ્પીડ કોરિડોરના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ કોરિડોર મેઘાલય અને આસામને જોડતો 166 કિમીનો અને 6 લેનનો માર્ગ હશે. લગભગ ₹22,864 કરોડના ખર્ચે બનાવાનાર આ કોરિડોર ઉત્તરપૂર્વ ભારત માટે પરિવહન અને વિકાસના દ્રષ્ટિકોણે અત્યંત મહત્વનો રહેશે.
CCSની બેઠકમાં શું નિર્ણય લેવાયો હતો?
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કોઈ પણ સંપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ નહોતી, માત્ર સુરક્ષા સંબંધિત કમિટી (CCS)ની બેઠક 23 એપ્રિલે થઈ હતી, જેમાં આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉની કેબિનેટની બેઠકમાં શું નિર્ણય લેવાયો હતો?
આ પહેલા, 9 એપ્રિલે થયેલી કેબિનેટ બેઠકમાં તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ માટે 1332 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. તિરુપતીથી કટપડી સુધીની 104 કિમીની સિંગલ લાઇનને ડબલ લાઇનમાં પરિવર્તિત કરાશે. આથી તિરુમલા વેંકટેશ્વર મંદિર સહિત શ્રી કાલહસ્તી, કનિપકમ અને ચંદ્રગિરિ જેવા ધાર્મિક સ્થળો સુધી રેલ્વે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.






