logo-img
Pm Modi Historic Speech Israel Knesset Terrorism Peace Updates

આતંકવાદ પર પ્રહાર, શાંતિનો સંદેશ : ઈઝરાયેલની સંસદમાં PM મોદીના સંબોધનની જાણો મોટી વાતો

આતંકવાદ પર પ્રહાર, શાંતિનો સંદેશ
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 06:54 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલની બે દિવસીય મુલાકાત દરમિયાન ત્યાંની સંસદ Knessetને સંબોધિત કરીને ઇતિહાસ રચ્યો છે. ઇઝરાયેલની સંસદને સંબોધન કરનારા તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગત બાદ પ્રધાનમંત્રીએ ઇઝરાયેલી સાંસદો વચ્ચે ભારત અને ઇઝરાયેલની અતૂટ મિત્રતાનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત હિબ્રૂ શબ્દ ‘શાલૉમ’ (Shalom)થી કરીને ઇઝરાયેલની જનતાનું અભિવાદન કર્યું હતું.

મિત્રતા અને સભ્યતાનો સંગમ

પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ ભારતની 140 કરોડ જનતા વતી મિત્રતા અને સન્માનનો સંદેશ લઈને આવ્યા છે. તેમણે ભારત અને ઇઝરાયેલને બે પ્રાચીન સભ્યતાઓ ગણાવતા કહ્યું હતું કે બન્ને દેશોના સંબંધો માત્ર વ્યુહાત્મક નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ પર ટકેલા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો, જે દિવસે ભારતે ઇઝરાયેલને સત્તાવાર માન્યતા આપી હતી, આ જોગાનુજોગ બન્ને દેશોના ઊંડા જોડાણને દર્શાવે છે.

આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ

પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા હમાસના હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદ માનવતા વિરુદ્ધનો અપરાધ છે અને નિર્દોષ નાગરિકોની હત્યાને કોઈ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. ભારતની નીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે અને અમે આ મુદ્દે કોઈ પણ ‘ડબલ સ્ટાન્ડર્ડ’ સ્વીકારતા નથી.

26/11ના જખ્મોને કર્યા યાદ

ઇઝરાયેલી સંસદમાં પીએમ મોદીએ 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારત આતંકવાદના દર્દને સારી રીતે સમજે છે. મુંબઈ હુમલામાં ઇઝરાયેલના નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા, જે ભારત ક્યારેય ભૂલ્યું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્યાંય પણ થતો આતંકવાદ સમગ્ર વિશ્વની શાંતિ માટે જોખમ સમાન છે, તેથી વૈશ્વિક સ્તરે એક થઈને તેનો સામનો કરવો અનિવાર્ય છે.

યહૂદી સમુદાય અને ભારતનો 2000 વર્ષ જૂનો સંબંધ

પીએમ મોદીએ ભારત અને ઇઝરાયેલના 2000 વર્ષ જૂના સંબંધો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ભારતમાં યહૂદી સમુદાય કોઈપણ ભેદભાવ કે ડર વગર સન્માનપૂર્વક રહે છે. તેમણે ગુજરાતના જામ સાહેબ (મહારાજા નવાનગર)ને યાદ કર્યા હતા, જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદી બાળકોને આશરો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે યહૂદી સમુદાયે ભારતની સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યું છે.

શાંતિ અને આર્થિક પ્રગતિનો રોડમેપ

ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે શાંતિનો માર્ગ માત્ર સંવાદ અને મુત્સદ્દીગીરીથી જ શક્ય છે. ભારત પેલેસ્ટાઈન મુદ્દાના કાયમી અને ન્યાયપૂર્ણ ઉકેલનું સમર્થન કરે છે. આ ઉપરાંત, તેમણે ભારતની આર્થિક પ્રગતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની 3 જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને ઇઝરાયેલ સાથેના વ્યાપારી સંબંધો તેને વધુ વેગ આપશે.

સર્વોચ્ચ સન્માન: ‘સ્પીકર ઓફ ધ ક્નેસેટ મેડલ’

પીએમ મોદીના સંબોધન દરમિયાન સંસદમાં ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા અને સાંસદોએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું. અંતમાં, ઇઝરાયેલની સંસદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માન Speaker of the Knesset Medalથી નવાજવામાં આવ્યા હતા. ભારત અને ઇઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now