Home Gujarat Ahmedabad Pm Modi Gujarat Visit 6000 Crore Projects 2026

PM મોદીનો ગુજરાત પ્રવાસ : રૂ. 6,000 કરોડની ભેટ, સેમિકન્ડક્ટર પ્લાન્ટથી લઈને હેરિટેજ મ્યુઝિયમ સુધીના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

pm modi with Kaynes plant
Published by: Chintan Chavda
Last Updated: Mar 30, 2026, 10:55 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ 2026ના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યને રૂ. 6,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન હેરિટેજ મ્યુઝિયમ, રેલવે લાઇન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે, જે રાજ્યના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.

‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

પ્રવાસની શરૂઆત ગાંધીનગરના કોબા તીર્થથી થશે, જ્યાં અહિંસા અને જૈન સંસ્કૃતિના પ્રસાર માટે બનાવવામાં આવેલ ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રાચીન મૂર્તિઓથી લઈને મુઘલ યુગના ઐતિહાસિક દસ્તાવેજો સુધીનો સમૃદ્ધ સંગ્રહ દર્શાવવામાં આવ્યો છે. આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના પદવિહાર દરમિયાન એકત્રિત થયેલા ઐતિહાસિક પુરાવાઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Kaynes સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન

અમદાવાદના સાણંદ ખાતે તૈયાર થયેલો ₹3,300 કરોડનો Kaynes સેમિકન્ડક્ટર પ્લાન્ટ આ પ્રવાસનો મહત્વનો હિસ્સો રહેશે. આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા રહેશે. આ સાથે જ અહીં અદ્યતન OSAT સુવિધા પણ ઉપલબ્ધ હશે, જ્યાં ચિપ્સનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રોજગારીમાં વધારો કરશે અને આસપાસના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું પણ લોકાર્પણ

વડાપ્રધાન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું પણ લોકાર્પણ કરશે, જેનાથી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ હાઈવે લોજિસ્ટિક્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ : 100+ હાઇ-પરફોર્મન્સ GPUથી સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓને મળશે નવી શક્તિ

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇનનું લોકાર્પણ

ડીસા ખાતે યોજાનારી જાહેરસભામાં રેલવે અને શહેરી વિકાસ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવશે. ₹482 કરોડના ખર્ચે તૈયાર થયેલી હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇનનું લોકાર્પણ થશે તેમજ નવી ટ્રેનને લીલી ઝંડી અપાશે. અમદાવાદ સહિતના શહેરોમાં કુલ ₹5,295 કરોડના 44 શહેરી વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. વડનગરમાં હેરિટેજ ટાઉન અને રોડ બ્યુટીફિકેશનના કામોનું પણ ઉદ્ઘાટન થશે.

આ સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અને ડીસા સહિતના વિસ્તારોમાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, જેથી વડાપ્રધાનનો આ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી
વડોદરાના દિવાળીપુરામાં કાળમુખી કાર
બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો
ગુજરાત ગૃહ વિભાગનો મોટો નિર્ણય