Home National Pm Modi E20 Petrol Ethanol Blending West Asia War Impact

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે E20 પેટ્રોલની એન્ટ્રી : PM Modiએ ભારતની ઉર્જા સુરક્ષાની રણનીતિના કર્યા ભારોભાર વખાણ

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે E20 પેટ્રોલની એન્ટ્રી
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 04:29 PM IST

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરૂ બન્યું છે ત્યારે ભારતમાં E20 Petrol ની ચર્ચાએ જોર પકડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા એક સંબોધનમાં સંકટના સમયે દેશની તૈયારીઓને ગણાવતા E20 ઈંધણનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. PM Modi એ જણાવ્યું હતું કે પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણને કારણે ભારત ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવામાં સફળ રહ્યું છે. દેશની આ સિદ્ધિ બદલ તેમણે પોતાની સરકારની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે દાયકાઓ પહેલાની સરખામણીએ આજે ભારત ઇંધણના ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બન્યું છે.

સંસદમાં આપેલા વક્તવ્ય દરમિયાન વડાપ્રધાને માહિતી આપી હતી કે છેલ્લા 10-11 વર્ષમાં ઇથેનોલના ઉત્પાદન અને મિશ્રણ પર અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે દેશમાં માત્ર 1% ઇથેનોલ મિશ્રણ કરવાની ક્ષમતા હતી પરંતુ આજે ભારત 20% ના લક્ષ્યાંકની અત્યંત નજીક છે. આ રણનીતિને કારણે ગત વર્ષે ભારતે આશરે 4.5 કરોડ બેરલ તેલની ઓછી આયાત કરવી પડી છે જે દેશની તિજોરી માટે મોટી રાહત સમાન છે.

ખાડી દેશો પર નિર્ભરતા ઘટાડવા ભારતનો માસ્ટરપ્લાન

ભારત અત્યારે તેલની જરૂરિયાતો માટે મોટાભાગે ખાડી દેશો પર નિર્ભર છે. 28 February ના રોજ ઈરાન પર થયેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ આંતરરાષ્ટ્રીય અસ્થિરતાની સીધી અસર આયાત-નિકાસ પર પડી રહી છે ત્યારે ઇથેનોલ મિશ્રણ ભારત માટે રક્ષણ કવચ સાબિત થઈ રહ્યું છે.

શું છે આ E20 ઈંધણ અને તેના ફાયદા?

E20 ઈંધણ એ 80% પેટ્રોલ અને 20% ઇથેનોલનું મિશ્રણ છે. તેનો મુખ્ય હેતુ તેલ આયાતનું બિલ ઘટાડવા સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો અને શેરડી પકવતા ખેડૂતોને આર્થિક ટેકો આપવાનો છે. જોકે આ ટેક્નોલોજીને લઈને કેટલાક પડકારો પણ સામે આવ્યા છે. ઘણા વાહન ચાલકોએ ફરિયાદ કરી છે કે જૂના વાહનોના એન્જિનમાં આ મિશ્રણથી ખરાબી આવી શકે છે અને માઈલેજમાં પણ ઘટાડો થાય છે.

બીજી તરફ ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે યુદ્ધની અસરોને પહોંચી વળવા માટે ઇથેનોલ મિશ્રણની મર્યાદા 20% થી વધારીને 30% સુધી લઈ જવી જોઈએ જેથી વિદેશી તેલ પરની નિર્ભરતા હજુ વધુ ઘટાડી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now