પીએમ મોદીએ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ દિવાળીનો તહેવાર દેશના જવાનોની સાથે ઉજવ્યો. આ વખતે તેમણે નૌકાદળના ગૌરવ INS વિક્રાંત પર જઈને સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરી. સમુદ્રના કિનારે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ નૌકાદળના બહાદુર જવાનોને સંબોધતા કહ્યું કે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ વચ્ચેના અદ્દભુત સંકલનને કારણે ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવી પડી હતી.
“જેઓ પોતાના દમ પર લડે છે તેઓ હંમેશા ઉપર રહે છે”
સૈનિકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની ત્રિવિધી દળોએ જે સમન્વય દર્શાવ્યો છે તે વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. ઓપરેશન સિંદૂરમાં ત્રણેય દળોએ બતાવેલી બહાદુરીએ સાબિત કર્યું કે આપણી સેના સૌથી મજબૂત છે. દુશ્મન સામે જે લડવાની હિંમત ધરાવે છે તે ક્યારેય પરાજિત થતો નથી એમ પીએમ મોદીએ જણાવ્યું.
INS વિક્રાંતને ગણાવ્યો અનંત શક્તિનું પ્રતીક
પીએમ મોદીએ INS વિક્રાંતને ભારતની અનંત શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે સમુદ્ર પર સૂર્યના કિરણો અને જવાનોના દીવા મળી દિવાળીની અનોખી ચમક પેદા કરે છે. ગઈકાલે રાત્રે જવાનોને દેશભક્તિના ગીતો ગાતા જોઈ રહ્યો હતો ત્યારે એવું લાગ્યું કે હું પણ યુદ્ધભૂમિ પર ઉભો છું એમ પીએમ મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મોટા જહાજો, વિમાનો અને સબમરીનો શક્તિનું પ્રતીક છે, પરંતુ વાસ્તવિક શક્તિ તેમને ચલાવતા બહાદુર સૈનિકોમાં રહેલી છે.
માઓવાદી આતંકવાદનો નાશ પણ આપણી સેના કારણે શક્ય થયો
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં સૌથી મોટી સિદ્ધિ છે માઓવાદી આતંકવાદનો નાશ. આ સિદ્ધિ આપણા સુરક્ષા દળોની અડગ હિંમત અને સમર્પણથી શક્ય બની છે એમ તેમણે ઉમેર્યું.
સૈનિકોના સમર્પણ અને હિંમતની પ્રશંસા
જવાનોની વચ્ચે દિવાળી ઉજવતા પીએમ મોદીએ કહ્યું કે આ અનુભવ તેમને સૈનિક જીવનની તીવ્રતા, શિસ્ત અને દેશપ્રેમની ઊર્જાનો અનુભવ કરાવે છે. નૌકાદળના બહાદુર જવાનો વચ્ચે દિવાળી ઉજવવી મારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે એમ પીએમ મોદીએ જણાવ્યું.
સશસ્ત્ર દળો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે
પીએમ મોદીએ ભારતની રક્ષા નીતિ વિશે વાત કરતાં જણાવ્યું કે દેશ હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. અમારા દળોએ હજારો એવા સાધનોની યાદી તૈયાર કરી છે જે હવે વિદેશથી આયાત નહીં કરવામાં આવે એમ તેમણે જણાવ્યું.
પીએમ મોદીએ ઉમેર્યું કે ભારત હવે વિશ્વના અગ્રણી રક્ષણ નિકાસકારોમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતીય નૌકાદળની શક્તિ, વાયુસેનાનું કૌશલ્ય અને સેનાની બહાદુરીએ સાબિત કર્યું છે કે ભારત કોઈપણ સંકટનો સામનો કરવા તૈયાર છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
ત્રણેય દળોની એકતાએ જિત અપાવી
પ્રધાનમંત્રીએ અંતમાં કહ્યું કે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ વચ્ચેના અદભુત સંકલન અને સહકારને કારણે જ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઝડપી શરણાગતિ સ્વીકારવી પડી હતી. આ જ આપણી વાસ્તવિક તાકાત છે એકતા, શિસ્ત અને અવિચળ રાષ્ટ્રભક્તિ એમ પીએમ મોદીએ કહ્યું.






