Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે તેમના પહેરવેશ દ્વારા રાજકીય સંદેશ આપવા માટે જાણીતા છે. એવામાં જ્યારે તેઓ ભાજપ મુખ્યાલય પહોંચ્યા ત્યારે સફેદ કુર્તો અને તસર સિલ્કની ધોતી પહેરેલા જોવા મળ્યા હતા, જે બંગાળના પુરુષોનો પરંપરાગત પોશાક છે.
બંગાળી અંદાજમાં વડાપ્રધાન
પશ્ચિમ બંગાળમાં ભાજપની અભૂતપૂર્વ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પાર્ટી મુખ્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી બંગાળી ધોતી-કુર્તામાં સજ્જ જોવા મળ્યા હતા. તેમની ધોતી પર લાલ રંગની બોર્ડર હતી. માત્ર પહેરવેશ જ નહીં, પીએમ મોદીએ બંગાળી પોશાક ધારણ કરતી વખતે બંગાળી રીત-રિવાજોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. તેમણે ધોતીનો એક છેડો કુર્તાના ખિસ્સામાં રાખ્યો હતો, જે રીતે બંગાળી પુરુષો પરંપરાગત રીતે રાખતા હોય છે. પીએમ મોદીએ જે ગમછો પહેર્યો હતો, તે પણ બંગાળી સંસ્કૃતિને દર્શાવતો હતો. તે ગમછો સુતરાઉ કાપડનો હતો અને તેના પર 'ડોટ' જેવી પેટર્ન હતી, જે બંગાળની પરંપરાગત ઓળખ છે.
રાજકીય ચર્ચા વચ્ચે હવે વિજયના ભવ્ય બીચ હાઉસની તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ : અંદરની તસવીરો વાયરલ
કાર્યકર્તાઓને સંબોધન: 'આ દિવસ ઐતિહાસિક છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત પર પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે આજનો આ દિવસ ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. જ્યારે વર્ષોની સાધના સિદ્ધિમાં બદલાય છે, ત્યારે ચહેરા પર જે ખુશી હોય છે, તે ખુશી આજે હું દેશભરના ભાજપ કાર્યકર્તાઓના ચહેરા પર જોઈ રહ્યો છું."

તેમણે વધુમાં ઉમેર્યું કે, એક કાર્યકર્તા હોવાના નાતે હું ભાજપના દરેક કાર્યકર્તાની ખુશીમાં સામેલ છું. આજનો દિવસ અનેક રીતે ખાસ છે. આ દેશના ઉજ્જવળ ભવિષ્યની ઉદ્ઘોષણાનો દિવસ છે. આ ભરોસાનો દિવસ છે ભારતના મહાન લોકશાહી પર ભરોસો, પર્ફોર્મન્સની રાજનીતિ પર ભરોસો, સ્થિરતાના સંકલ્પ પર ભરોસો અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવના પર ભરોસો.
જનતા અને કાર્યકર્તાઓનો આભાર
કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, "હું બંગાળની જનતા, આસામની જનતા, પુડુચેરીની જનતા તેમજ તમિલનાડુ અને કેરળની જનતાને આજે આદરપૂર્વક નમન કરું છું. હું આજે ભાજપના કરોડો કાર્યકર્તાઓનું પણ હૃદયપૂર્વક અભિનંદન કરું છું. પાર્ટીના દરેક નાના-મોટા કાર્યકર્તાએ ફરી એકવાર કમાલ કરી દીધી છે, કમળ ખીલવી દીધું છે. તમે નવો ઇતિહાસ રચી દીધો છે."





