Home National Pm Modi 6 Day Foreign Visit Indonesia Australia New Zealand

ઇન્ડો-પેસિફિક મિશન પર PM મોદી! : 6 દિવસમાં ત્રણ દેશોની લેશે મુલાકાત; વેપારથી લઈને સંરક્ષણ સુધી થઈ શકે છે મોટા કરાર

PM Modi Foreign Visit
Published by: Nirali Gohil
Last Updated: Jul 06, 2026, 05:48 AM IST

PM Modi Foreign Visit: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી છ દિવસના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ પર નીકળી ગયા છે. 6 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલનારા આ પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે. ભારતની વિદેશ નીતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેક્નોલોજી, સપ્લાય ચેઇન અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય ચર્ચાઓ થવાની સંભાવના છે. સાથે જ અનેક મહત્વપૂર્ણ કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, લગભગ ચાર દાયકાઓ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી સત્તાવાર રીતે ન્યૂઝીલેન્ડની મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે આ પ્રવાસને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.

ઇન્ડોનેશિયાથી થશે પ્રવાસની શરૂઆત

પ્રધાનમંત્રી મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસની શરૂઆત ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી કરશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોના આમંત્રણ પર યોજાનારી આ સત્તાવાર મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પ્રબોવો વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં વેપાર, સંરક્ષણ સહકાર, સમુદ્રી સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયામાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. ઉપરાંત તેઓ યોગયાકાર્તામાં આવેલા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનન મંદિરની મુલાકાત પણ લેશે, જે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયામાં દ્વિપક્ષીય ચર્ચા અને CEO ફોરમ

ઇન્ડોનેશિયા બાદ વપ્રધાનમંત્રી મોદી 8થી 10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરની મુલાકાત લેશે. આ પ્રવાસ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બાનીઝના આમંત્રણ પર યોજાઈ રહ્યો છે.

મેલબર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક નેતાઓની શિખર બેઠક યોજાશે, જેમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર ચર્ચા થશે. ઉપરાંત ક્વાડ (QUAD) ગઠબંધન અંતર્ગત સહકાર વધારવાના મુદ્દા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાની ગવર્નર જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરશે અને ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં ભાગ લેશે. આ દરમિયાન બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધન કરીને વેપાર અને રોકાણના નવા અવસરો પર ભાર મૂકશે. મેલબર્નમાં ભારતીય સમુદાય માટે આયોજિત વિશાળ કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે.

આ પણ વાંચો: દેશમાં પ્રથમ વખત વકફ બોર્ડમાં હિંદુ સભ્યોની એન્ટ્રી : જાણો કયા રાજ્યમાં લેવાયો આ ઐતિહાસિક નિર્ણય

ચાર દાયકાઓ બાદ ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત

પ્રધાનમંત્રી મોદી પોતાના પ્રવાસના અંતિમ તબક્કામાં 10થી 11 જુલાઈ દરમિયાન ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરની મુલાકાત લેશે. લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ સત્તાવાર ન્યૂઝીલેન્ડ મુલાકાત હોવાનું માનવામાં આવે છે. ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, કૃષિ, ટેક્નોલોજી અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે વિચારવિમર્શ કરવામાં આવશે. ભારત અને ન્યૂઝીલેન્ડે આ વર્ષે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનામાં ભારતનું વધતું મહત્વ

આ સમગ્ર પ્રવાસને ભારતની ઇન્ડો-પેસિફિક નીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આ વિસ્તારમાં પોતાની રાજનૈતિક અને આર્થિક હાજરીને વધુ મજબૂત બનાવી છે.

ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે દરિયાઈ સુરક્ષા, વૈશ્વિક સપ્લાય ચેઇન, ટેક્નોલોજી ભાગીદારી અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ સાથે પણ સીધા જોડાયેલા છે. nવિશેષજ્ઞોનું માનવું છે કે, પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસથી ભારતના વ્યૂહાત્મક હિતોને વધુ મજબૂતી મળશે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધુ અસરકારક બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now