2024 ભયાનક યાદો સાથે વિદાય લઈ રહ્યું છે. દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારની સવારે એક મોટી વિમાન દૂર્ઘટના બની હતી. ક્રૂ મેમ્બર સહિત 181 મુસાફરોને લઈને બેંગકોકથી પરત ફરી રહેલું પ્લેન લેન્ડિંગ વખતે રનવે પર જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં બે મુસાફરો સિવાય અન્ય તમામ મુસાફરો એટલે કે 179 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે ન્યુઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ, બે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાના વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લેન્ડિંગ પછી પ્લેન રનવે પર આગળ વધતું રહે છે અને પછી આગળ જઈને દિવાલ સાથે અથડાય છે. જે બાદ પ્લેન એક આગના ગોળામાં ફેરવાઈ જાય છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી પ્લેન દૂર્ઘટના પ્રકાશમાં આવી છે. 25 ડિસેમ્બરના રોજ કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું હતું.
દૂર્ઘટનામાં 2 પેસેન્જર્સનો બચાવ
દક્ષિણ કોરિયાની ફાયર વિભાગની ટીમે રવિવારે જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં એક ફ્લાઈટ એટેન્ડન્ટ અને એક પેસેન્જરનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. વિમાનમાં કુલ 181 પેસેન્જર્સ સવાર હતા. નેશનલ ફાયર એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હાલમાં, બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટનો સમાવેશ થાય છે." વધુમાં, એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે, મુઆન એરપોર્ટ પર દુર્ઘટના સ્થળે 32 ફાયર શામક અને ડઝનેક ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા છે.
અકસ્માત પાછળનું કારણ
દૂર્ઘટના અંગે ઈમરજન્સી ઓફિસ દ્વારા એસોસિએટેડ પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે, લેન્ડિંગ ગિયરની નિષ્ફળતાને કારણે પ્લેન ક્રેશ થયું હતું. જો કે આ દુર્ઘટના 'પક્ષીઓના સંપર્કને કારણે થઈ હોવાનું માનવામાં પણ આવે છે, જેના પરિણામે લેન્ડિંગ ગિયર ફેલ થઈ જાય છે.' કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોકે મુસાફરોને બચાવવા માટે પોતાના નિવેદનમાં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, "તમામ સંબંધિત એજન્સીઓએ કર્મચારીઓને બચાવવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોને એકત્ર કરવા જોઈએ,"
એક જ અઠવાડિયામાં બીજી મોટી વિમાન દુર્ઘટના
બુધવારે, 110 પેસેન્જર્સ સાથે કઝાકિસ્તાનથી રશિયા જતી એક પેસેન્જર ફ્લાઈટ અક્તાઉ શહેરમાં એરપોર્ટ નજીક ક્રેશ થઈ હતી. આ અકસ્માતને કારણે વિમાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 38 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. અઝરબૈજાન એરલાઈન્સ એમ્બ્રેર ERJ-190 નામનું પ્લેન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યામાં ગ્રોઝની તરફ જઈ રહ્યું હતું, પરંતું ગાઢ ધુમ્મસને કારણે તેને અક્ટાઉ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

_07ae18e7-1499-4270-8dc6-31c50e0173d0.jpg)




