Dhnagdhra PGVCL Action: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)એ વીજચોરીના વ્યાપ વિરુદ્ધ મોટા પાયે ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે સવારથી જ પોલીસના કડક બંદોબસ્ત હેઠળ 48 ટીમોએ એકસાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ અભિયાનથી વીજચોરી કરનારા ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ તપાસ દરમિયાન PGVCLની ટીમોએ ખેતીવાડી, રહેણાંકીય તેમજ વ્યાપારી સહિત કુલ 760 જેટલા વીજ કનેક્શનની ઊંડી તપાસ કરી હતી. આમાંથી 102 કનેક્શનમાં વીજચોરીના ગંભીર કેસો ઝડપાયા હતા.

44.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
આ કેસોમાં મીટર બાયપાસ, હુકીંગ, મીટર ટેમ્પરિંગ તેમજ અન્ય ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવાના પુરાવા મળી આવ્યા હતા. વીજચોરીના આ કેસોમાં સંકળાયેલા ગ્રાહકો પર કંપનીએ કુલ 44.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ ચૂકવવા માટે ગ્રાહકોને નોટિસ આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં દંડ નહીં ચૂકવવામાં આવે તો તેમના કનેક્શન કાયમ માટે કાપી નાખવાની અને કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. PGVCLના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "વીજચોરીને કારણે કંપનીને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, જેની સીધી અસર ઈમાનદાર ગ્રાહકોના બીલ પર પડે છે.

વીજચોરી કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે
આવા અભિયાનો નિયમિત ચાલુ રહેશે અને વીજચોરી કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે."ધ્રાંગધ્રાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ અચાનક દરોડાઓથી વીજચોરી કરનારા લોકોમાં દહેશત ફેલાઈ છે. ઘણા ગ્રાહકોએ તુરંત જ મીટર ઠીક કરાવવાની અને દંડ ભરવાની તૈયારી દર્શાવી છે. સ્થાનિક લોકોમાં પણ આ અભિયાનની ચર્ચા છે અને ઈમાનદાર ગ્રાહકોએ PGVCLના આ પગલાનું સ્વાગત કર્યું છે. આવનારા દિવસોમાં પણ PGVCL દ્વારા આવા વ્યાપક ચેકિંગ અભિયાનો ચાલુ રહે તેવી શક્યતા છે, જેથી વીજચોરીનો રોગ ખૂલ્લો પડે અને ઈમાનદાર ગ્રાહકોને ન્યાય મળે.





