Home Gujarat Ahmedabad Petrol Crisis In Major Cities Of Gujarat Including Ahmedabad Petrol Pumps Suddenly Locked

શું અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરો પર છે પેટ્રોલનું સંકટ? : જાણો પેટ્રોલ પંપ પર અફરાતફરી બાદ DyCM હર્ષ સંઘવીએ શું કહ્યું? અફવાઓથી સાવધાન રહેવા અપીલ

શું અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરો પર છે પેટ્રોલનું સંકટ?
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Mar 23, 2026, 01:03 PM IST

Ahmedabad Petrol Crisis Update: અમદાવાદ શહેરમાં આજે સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ અને કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક' ના બોર્ડ લાગતા વાહનચાલકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો થવાની અફવાઓને કારણે લોકો ગભરાઈને પંપ પર ઉમટી પડ્યા છે, જેના કારણે અનેક પંપો પર સ્ટોક ખાલી થઈ ગયો છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે, ભાવ વધારો થવાનો હોવાથી નફો કમાવવાના આશયથી સંચાલકોએ જાણીજોઈને પંપ બંધ રાખ્યા છે.

જોકે, આ પરિસ્થિતિ અંગે વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, આ અછત ભાવ વધારાને કારણે નહીં પરંતુ સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધને કારણે સર્જાઈ છે. રજાઓના કારણે ઈંધણનો જથ્થો સમયસર ન પહોંચતા શહેરના પંપો ખાલી થઈ ગયા છે. અમદાવાદના કેટલાક પંપો પર તો ત્રણ દિવસથી ઈંધણની ગાડીઓ ન પહોંચતા સંચાલકો લાચાર બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, છતાં અત્યારે શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલ પંપો પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.

"ત્રણ દિવસથી ગાડી આવી નથી": પંપ મેનેજર સંજય દંતાણીનો ખુલાસો

અમદાવાદના પેટ્રોલ પંપ પર લાગેલા 'નો સ્ટોક'ના બોર્ડ અને લોકોના વિવિધ આક્ષેપો વચ્ચે પેટ્રોલ પંપના મેનેજર સંજય દંતાણીએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, શુક્રવારથી હજુ સુધી ઈંધણની કોઈ ગાડી પંપ પર આવી નથી. રજાઓનો ગાળો હોવાથી જે સપ્લાય નિયમિતપણે મળવી જોઈએ તેમાં મોટો વિલંબ થયો છે, જેના કારણે આજે પંપ બંધ રાખવાની નોબત આવી છે. મેનેજરે વધુમાં ઉમેર્યું કે, કંપનીને એડવાન્સ પેમેન્ટ કર્યા બાદ જ સપ્લાય આપવામાં આવે છે અને પેમેન્ટ થઈ ગયું હોવા છતાં છેલ્લા ત્રણ દિવસથી ગાડી ન આવતા મુશ્કેલી સર્જાઈ છે. જોકે, આજે ગાડી ભરાવવા માટે મોકલી દેવામાં આવી છે અને જો તે સમયસર આવી જશે તો તાત્કાલિક અસરથી ફરી પેટ્રોલ પંપ શરૂ કરી દેવામાં આવશે.

ભાવ વધારાની અફવાએ વધારી મુશ્કેલી

બીજી તરફ, શહેરમાં એવી અફવા વહેતી થઈ છે કે, પેટ્રોલના ભાવમાં મોટો વધારો થવાનો છે, જેના કારણે વાહનચાલકો ફૂલ ટેન્ક કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે. આ અફવાને લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માની રહ્યા છે કે પંપ માલિકો સ્ટોક હોવા છતાં વધુ નફો કમાવવા ભાવ વધારાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રજાઓના કારણે લોજિસ્ટિક્સ ખોરવાયું છે અને પૂરતો સ્ટોક પંપ સુધી પહોંચી શક્યો નથી. આમ, પુરવઠામાં થયેલા વિલંબ અને ભાવ વધારાની ખોટી અફવાઓએ સંયુક્ત રીતે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એ વાતની બાંયેધરી આપી છેકે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈપણ પ્રકારની અછત નથી. કોઈએ ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સાથે જ આ પ્રકારની ખોટી અફવાઓ ફેલાવનારો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું છેકે, હાલની સ્થિતિમાં આપણી પાસે પુરતો પેટ્રોલ-ડીઝલનો જથ્થો છે. કોઈએ પણ પેટ્રોલ પંપ પર જઈને ખોટી દોડાદોડી કરવાની જરૂર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now