Home Gujarat Patan Mandvi Nilgai Hunting Case

પાટણના માંડવી ગામે મધરાતે ત્રણ નીલગાયનો શિકાર : શિકારીઓ કાર મૂકીને ફરાર

નીલગાયને માર્યા બાદ પોલીસ તપાસના દ્રશ્યો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 21, 2026, 09:30 AM IST

પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામ નજીક કેનાલ પાસે આવેલા સીમ વિસ્તારમાં મધરાતે વન્યજીવ શિકારની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા શિકારીઓએ બંદૂક વડે ત્રણ નીલગાયનો શિકાર કર્યો હોવાનું સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે શિકારીઓ તેમની બે બ્લેક કલરની સેન્ટ્રો કાર સ્થળ પર જ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

સ્થાનિક સૂત્રો મુજબ, મધરાતના સમયે અચાનક ફાયરિંગના અવાજો સંભળાતા આસપાસના ખેડૂતો અને ગ્રામજનો ચોંકી ઊઠ્યા હતા. અવાજની દિશામાં લોકો દોડી ગયા ત્યારે સીમ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી હતી. ઘટનાની ગંભીરતા સમજી સ્થાનિકોએ તરત જ 112 ઈમરજન્સી સેવા પર પોલીસને જાણ કરી હતી.

પોલીસ પહોંચતા જ શિકારીઓ ફરાર

માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ શિકારીઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. તેઓ પોતાની બંને સેન્ટ્રો કાર સ્થળ પર જ મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોમાં યુનિફોર્મ થશે ફરજિયાત : UPનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યો આદેશ, જાણો નિર્ણયનું કારણ

કારમાંથી નીલગાયનું માસ મળ્યું

વન વિભાગની તપાસ દરમિયાન એક કારમાંથી નીલગાયનું માસ કટીંગ કરીને ભરેલું મળી આવ્યું હતું. ઉપરાંત અન્ય બે નીલગાયોના મૃતદેહ પણ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આથી સ્પષ્ટ થાય છે કે શિકારીઓ આયોજનબદ્ધ રીતે શિકાર કરવા આવ્યા હતા.

વન વિભાગના અધિકારીઓએ મૃત નીલગાયોના અવશેષોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ કરાવી છે. આ માટે 1962 એનિમલ હેલ્પલાઈન ટીમને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ગોળીબાર અને મોત અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.

વન્યજીવ સુરક્ષા અંગે ફરી પ્રશ્નો

આ ઘટનાએ ઉત્તર ગુજરાતમાં વન્યજીવ સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. નીલગાય ગુજરાતમાં સંરક્ષિત વન્યજીવ તરીકે ગણાય છે અને તેના શિકાર પર કડક પ્રતિબંધ છે. છતાં પણ રાત્રિના સમયે ખુલ્લેઆમ શિકાર થવાની ઘટના વન વિભાગ માટે પડકારરૂપ બની છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સીમ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વાહનોની અવરજવર વધી રહી છે. ગ્રામજનોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને શિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: PM મોદી-અમિત શાહને 'ગદ્દાર' ગણાવતા નિવેદન પર રાહુલ ગાંધી મુશ્કેલીમાં : દિલ્હીમાં ફરિયાદ દાખલ

કારના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ

પોલીસ અને વન વિભાગ હવે સ્થળ પરથી મળેલી બંને કારના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાહનોના નંબર, ફોરેન્સિક તપાસ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ પ્રકારનો શિકાર ગંભીર ગુનો ગણાય છે અને દોષિતો સામે કડક સજા થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે ઝડપથી આરોપીઓને પકડી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now