Parliament : ગૃહમાં ભારે વિરોધ અને મંજૂરી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ ભારે હોબાળા અને વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે પસાર કરવામાં આવ્યો છે. વિપક્ષી દળોના સતત વિરોધ છતાં, ગૃહે પોતાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી અને બહુમતી સાથે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. આ સાથે જ રાષ્ટ્રપતિના ભાષણ સંબંધિત ઔપચારિક કાર્યવાહી પૂર્ણ થઈ છે. સ્પીકરે વિરોધ પક્ષોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી. સાંસદો પર કડક કાર્યવાહી મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન થયેલા હોબાળાને ગંભીરતાથી લેતા, લોકસભાના આઠ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ છતાં, બુધવારે પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. વિપક્ષી સાંસદોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહીને વારંવાર અસર થઈ હતી.
'જે સાચું છે, તે કરો' લખેલા બેનેરો સાથે વિપક્ષી સાંસદો
PM ની ખુરશીનો ઘેરાવ બુધવારે સાંજે એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે ગૃહને સંબોધિત કરવાના હતા, ત્યારે વિપક્ષની મહિલા સાંસદોએ વડાપ્રધાનની ખુરશીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તેમના હાથમાં 'જે સાચું છે, તે કરો' લખેલા બેનરો હતા. વિપક્ષી સાંસદોની માંગ છે કે, જ્યાં સુધી વિપક્ષી નેતાને બોલવાની તક નહીં મળે, ત્યાં સુધી તેઓ પીએમને બોલવા દેશે નહીં.
20 વર્ષ પછી ફરીથી ઘટના બની
20 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન બજેટ સત્રના 7 મા દિવસે એક દુર્લભ ઘટના બની હતી. વર્ષ 2004 પછી પહેલીવાર એવું બન્યું છે કે, વડાપ્રધાનના ભાષણ વગર જ આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હોય. આ પહેલા 10 જૂન 2004 ના રોજ પીએમ મનમોહન સિંહને પણ વિપક્ષના વિરોધને કારણે બોલવાની તક મળી ન હતી.
ભારત હવે નબળું નથી અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ મજબૂત બની
વડાપ્રધાનનો વળતો પ્રહાર વિપક્ષના સવાલોના જવાબમાં પીએમ નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ભારતની છબી અને સ્થિતિ વિશે વિપક્ષ જે વાતો કરી રહ્યો છે તે અયોગ્ય છે. તેમણે ઈશારામાં જણાવ્યું કે, ભારત હવે નબળું નથી અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ મજબૂત બની છે.
ગૃહની કાર્યવાહી શુક્રવારે કરવામાં આવશે
ગૃહની કાર્યવાહી સ્થગિત ગુરુવારે સવારથી જ લોકસભામાં અફરાતફરીનો માહોલ રહ્યો હતો. સ્પીકરે વારંવાર કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. અંતે, બપોરે 3 વાગ્યે જ્યારે ગૃહ ફરી મળ્યું ત્યારે પણ સ્થિતિ સામાન્ય ન થતા, કાર્યવાહી શુક્રવાર સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
વિપક્ષ પીએમ મોદીને સંબોધન કરવા દેશે નહીં
વિપક્ષની જીદ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા સાંસદ મણિકમ ટાગોરે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી રાહુલ ગાંધીને લોકસભામાં પોતાની વાત રાખવાની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી વિપક્ષ પીએમ મોદીને સંબોધન કરવા દેશે નહીં. હવે એવી શક્યતા છે કે, પીએમ મોદી આજે સાંજે રાજ્યસભામાં પોતાનું વક્તવ્ય આપી શકે છે.




















