Parliament Monsoon Session 2026: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે લોકસભા અને રાજ્યસભામાં પેપર લીક વિરોધી બિલને લઈને ભારે રાજકીય ઘર્ષણ જોવા મળ્યું હતું. કેન્દ્ર સરકારે Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 લોકસભામાં રજૂ કર્યું, પરંતુ વિરોધ પક્ષના સતત હોબાળા અને સૂત્રોચ્ચારને કારણે બિલ પર ચર્ચા શરૂ થઈ શકી નહોતી. આખો દિવસ ગૃહમાં વિક્ષેપ વચ્ચે પસાર થયા બાદ લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. હવે સંસદના આગામી કાર્યદિવસે એટલે કે મંગળવારે પેપર લીક બિલ પર વિસ્તૃત ચર્ચા અને ત્યારબાદ મતદાન થવાની શક્યતા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના મુખ્ય ચહેરા રાહુલ ગાંધી પણ આ ચર્ચા દરમિયાન પોતાનો પક્ષ રજૂ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકારે રજૂ કર્યું પેપર લીક વિરોધી સુધારા બિલ
દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હાલના કાયદાને વધુ કડક બનાવવા માટે સુધારા બિલ રજૂ કર્યું છે. સરકારના જણાવ્યા અનુસાર નવા બિલનો મુખ્ય હેતુ પેપર લીક જેવા સંગઠિત ગુનાઓને રોકવો, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવું અને પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે વારંવાર થતા પેપર લીકના કારણે દેશના લાખો યુવાનોની મહેનત પર પાણી ફરી વળે છે અને ભરતી પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ ઘટે છે. તેથી કડક કાયદો સમયની માંગ બની ગયો છે.
બિલમાં શું છે ખાસ જોગવાઈઓ ?
પ્રસ્તાવિત સુધારા બિલમાં પેપર લીક સંબંધિત કેસોની તપાસ ઝડપથી પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બિલ મુજબ પેપર લીકના કેસોની તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આવા કેસોની ઝડપી સુનાવણી માટે દેશભરમાં વિશેષ અથવા ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત બિલમાં પેપર લીકના આરોપીઓ સામે વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
વ્યક્તિગત રીતે પેપર લીકમાં સંડોવાયેલા આરોપીઓને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજા થઈ શકે છે. જો ગુનો સંગઠિત રીતે કરવામાં આવ્યો હોય તો ઓછામાં ઓછી સાત વર્ષની સજા અને મહત્તમ ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ પણ પ્રસ્તાવિત કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આવા કડક પ્રાવધાનો દ્વારા પેપર લીકના સમગ્ર નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: 'હું સ્ટ્રીટ ફાઇટર છું, ACમાં બેસવા વાળો એક્ટિવિસ્ટ નહીં...' : સંસદમાં ધર્મેન્દ્ર પ્રધાને એવું શું કહ્યું કે શરૂ થઈ ચર્ચા?
આખો દિવસ હોબાળા વચ્ચે પસાર
સોમવારે સંસદમાં પ્રશ્નકાળ શરૂ થતાં જ વિરોધ પક્ષના સાંસદોએ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. વિરોધ પક્ષ પૂર્વ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત વિદ્યાર્થીઓના આંદોલન અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. ગૃહમાં સતત હોબાળો ચાલુ રહેતાં પેપર લીક બિલ પર ચર્ચા શરૂ થઈ શકી નહોતી અને સ્પીકરને વારંવાર કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
દિવસના અંતે લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
સ્પીકરે સહમતિ માટે આપ્યો હતો સમય
હોબાળાની સ્થિતિ વચ્ચે લોકસભાના સ્પીકરે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે સહમતિ બને તે માટે પ્રયાસ કર્યો હતો. સરકારે બિલ પર ચર્ચા માટે છ કલાકનો સમય નક્કી કર્યો હોવાનું સ્પીકરે ગૃહને જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જો જરૂરી બનશે તો ચર્ચાનો સમય વધુ વધારી શકાય છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ પણ વિરોધ પક્ષને અપીલ કરતાં કહ્યું હતું કે માત્ર સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ બતાવવાથી કોઈ ઉકેલ આવશે નહીં.
તેમણે તમામ પક્ષોને ચર્ચામાં ભાગ લેવા અને પોતાના સૂચનો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. સ્પીકરે બંને પક્ષોને સાંજે પાંચ વાગ્યા સુધી પરસ્પર સહમતિ સાધવાનો સમય પણ આપ્યો હતો જેથી બિલ પર ચર્ચા શરૂ થઈ શકે, પરંતુ દિવસ દરમિયાન કોઈ સમાધાન થઈ શક્યું નહોતું.
સરકાર ચર્ચા માટે તૈયાર
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે સરકાર બિલ પર વિસ્તૃત ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે સરકાર દરેક પક્ષના સૂચનો સાંભળવા તૈયાર છે અને જો જરૂરી પડશે તો ચર્ચાનો સમય પણ વધારવામાં આવશે. રિજિજૂએ વિરોધ પક્ષને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ મુદ્દે રાજકારણ કરતાં ચર્ચામાં ભાગ લેવો વધુ જરૂરી છે.
રાહુલ ગાંધી કરી શકે છે રજુઆત
મંગળવારે જ્યારે બિલ ચર્ચા માટે લેવામાં આવશે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભામાં પોતાના વિચારો રજૂ કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સરકારના પ્રસ્તાવિત કાયદાના વિવિધ પાસાઓ પર પ્રશ્નો ઉઠાવી શકે છે. ખાસ કરીને કાયદાના અમલ, જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના હિતોને લઈને ચર્ચા થવાની સંભાવના છે. સરકાર તરફથી પણ બિલની આવશ્યકતા અને તેના લાભો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે કેમ મહત્વપૂર્ણ છે આ બિલ?
છેલ્લા કેટલાક વર્ષોમાં NEET, ભરતી પરીક્ષાઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના અનેક કેસો સામે આવ્યા છે. ઘણા રાજ્યોમાં પરીક્ષાઓ રદ કરવી પડી હતી, લાખો ઉમેદવારોને ફરી પરીક્ષા આપવી પડી હતી અને લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કાયદાને વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. જો સંસદના બંને ગૃહોમાં આ સુધારા બિલ પસાર થશે તો પેપર લીક જેવા ગુનાઓ સામે વધુ ઝડપી તપાસ, ઝડપી ટ્રાયલ અને કડક સજા માટે સ્પષ્ટ કાયદાકીય માળખું તૈયાર થશે.
આ પણ વાંચો: "કેસ પાછા નહીં ખેંચો તો રસ્તા પર આવીશું" : CJPની કેન્દ્ર સરકારને ફરી જંતર-મંતર પર આંદોલનની ચીમકી
હવે સૌની નજર મંગળવાર પર
સોમવારનો દિવસ સંપૂર્ણપણે રાજકીય ઘર્ષણ અને હોબાળા વચ્ચે પસાર થયા બાદ હવે મંગળવારનું સત્ર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સંસદમાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા શરૂ થાય છે કે નહીં, વિરોધ પક્ષ શું વલણ અપનાવે છે, રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ શું રજૂઆત કરે છે અને અંતે બિલ પર મતદાન થાય છે કે નહીં તેના પર સમગ્ર દેશના લાખો વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અને રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.





