૦7-૦7 મે 2૦25 ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
જોકે, ભારતીય સેનાએ UAS ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે જે પાકિસ્તાની હુમલાઓની પુષ્ટિ કરે છે. આજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે.
ભારતનો વળતો હુમલો
ભારતે આ હુમલાનો જવાબ એ જ રીતે, એ જ તીવ્રતાથી આપ્યો છે. આજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના અનેક હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાહોરની એક હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભારતે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેણે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી મુખ્યાલયને નિશાન બનાવ્યું નથી અને હવે પણ ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ વધારવાનો નથી પરંતુ જવાબ આપવાનો છે.
LOC પર સતત ફાયરિંગ
સરહદ પર પણ સતત ગોળીબાર ચાલુ છે. પાકિસ્તાને કુપવાડા, બારામુલ્લા, પૂંછ, મેંધાર, રાજૌરી જેવા વિસ્તારોમાં મોર્ટાર અને ભારે તોપમારો કર્યો છે. આ ઘૃણાસ્પદ ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત ૧૬ નિર્દોષ ભારતીય નાગરિકોના મોત થયા.
ભારતે યોગ્ય જવાબ આપ્યો
ભારતનો સંદેશ સ્પષ્ટ છે કે "અમે તણાવ વધારવા માંગતા નથી, પરંતુ અમે જાણીએ છીએ કે કેવી રીતે જવાબ આપવો". ભારતીય સેનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત યુદ્ધ ઇચ્છતું નથી. પરંતુ જો તેના લશ્કરી ઠેકાણાઓ અથવા નાગરિકો પર હુમલો થશે, તો ભારત તરત જવાબ આપશે.






