ભારતીય સરહદમાં પ્રવેશ કરનારી પાકિસ્તાની મહિલાને મંગળવારે તેના દેશમાં પરત મોકલી દેવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ અનુપગઢની બિંજોર પોસ્ટ પરથી પાકિસ્તાની મહિલા હુમારાને પાકિસ્તાનને સોંપી દીધી હતી. બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ પણ યોજાઈ હતી.
મહિલાની પૂછપરછ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીએસએફની 23મી બટાલિયનના અધિકારીઓએ હુમારાને યોગ્ય પ્રક્રિયા અનુસાર પાકિસ્તાની રેન્જર્સને સોંપી દીધી હતી. પોલીસ પણ સ્થળ પર હાજર હતી.
હુમારા 17 માર્ચે ભારતીય વિસ્તારમાં પ્રવેશી હતી. ત્યારબાદ બીએસએફના જવાનોએ મહિલાને પાકિસ્તાન સરહદ પર પાછા જવા કહ્યું, પરંતુ તેણે આમ કરવાની ના પાડી દીધી, જેના પગલે બીએસએફએ તેની અટકાયત કરી હતી.
આ દરમિયાન હુમારાની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા લગભગ પાંચ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેણે ભારતમાં આશ્રય લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો તેને પરત મોકલવામાં આવે તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. મહિલાએ પોતાની ઓળખ બલૂચિસ્તાનના કેચ જિલ્લાના ડગરી ખાન ગામના રહેવાસી તરીકે આપી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેના પતિનું નામ વસીમ છે અને તેના માતાપિતા મૂળ કરાચીના છે. પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.





