પાકિસ્તાનના એક મૌલવીએ પોતાના જ દેશના આતંકવાદી સંગઠનો અને ગુપ્તચર એજન્સી ISI દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવી રહેલા દુર્વ્યવહારનો પર્દાફાશ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે જે વિદ્રોહીઓને 'મુજાહિદ્દીન' કહીને મહિમામંડિત કરવામાં આવે છે, તેઓ અસહાય મહિલા શરણાર્થીઓને માત્ર એક રોટલીના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતા હતા. મૌલવીના આ નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.
રોટલીના બદલામાં જીસ્મ...
મુફ્તી સઈદ ખાન નામના પાકિસ્તાની દેવબંધી મૌલવી, જેઓ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના સહયોગી તરીકે પણ ઓળખાય છે, તેમણે 'કાશ્મીર અને અમારું પાખંડ' શીર્ષક હેઠળ કાશ્મીરી શરણાર્થી મહિલાઓ સાથે થયેલા દુર્વ્યવહારનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રિફ્યુજી કેમ્પમાં કાશ્મીરી મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓને માત્ર એક રોટલી મેળવવા માટે પોતાના શરીરનો સોદો કરવા મજબૂર કરવામાં આવતી હતી." પાકિસ્તાની મૌલવીના આ કબૂલાતનામાએ ઇસ્લામાબાદની 'પ્રોક્સી વોર' (છુપ્ત યુદ્ધ) વ્યૂહરચનાને વિશ્વની સામે બેનકાબ કરી દીધી છે.
શું આ નિવેદન ભારતના દાવાઓને સાચું સાબિત કરે છે?
એક જાહેર કાર્યક્રમમાં મૌલવી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન કાશ્મીરમાં આતંકવાદી જૂથોને સ્પોન્સર કરવામાં ISIની ભૂમિકાને સ્પષ્ટપણે સાબિત કરે છે. સાથે જ, તે પાકિસ્તાનની ધાર્મિક અને રાજકીય વ્યવસ્થામાં ચાલી રહેલા જૂઠાણાનો પણ પર્દાફાશ કરે છે.
પાકિસ્તાની મૌલવી દ્વારા આ પ્રકારના ગુનાની કબૂલાત એ ભારતના તે રિપોર્ટ્સ અને દસ્તાવેજોને મજબૂત બનાવે છે, જેમાં સતત કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની આતંકવાદી વ્યૂહરચનામાં સામાન્ય જનતા અને ખાસ કરીને મહિલાઓનું શોષણ કરવામાં આવે છે.
પાકિસ્તાનનું જૂઠાણું સામે આવ્યું
મૌલાના સઈદ ખાનનું આ નિવેદન પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર મોટા સવાલો ઊભા કરે છે. તે દર્શાવે છે કે કેવી રીતે પોતાને કાશ્મીરના હિતેચ્છુ ગણાવતા લોકો જ લાચાર અને નિર્બળ લોકોનું શોષણ કરવામાં સૌથી આગળ છે. આ ખુલાસો પાકિસ્તાનના તે આતંકી નેટવર્કને પણ ખુલ્લું પાડે છે, જે સતત બાળકો અને મહિલાઓનું શોષણ કરીને માનવતાને શરમમાં નાખી રહ્યા છે. મૌલવીના આ નિવેદને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા પ્રોપેગેન્ડાના લીરેલીરા ઉડાડી દીધા છે.





