મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં કુલ 12 લોકો ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ કોર્ટ બિલ્ડિંગના કાફેટેરિયામાં આવેલા ગેસ સિલિન્ડર ફાટવાથી થયો હતો, જેના કારણે આખી ઇમારત હચમચી ઉઠી હતી.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે કોર્ટ કમ્પ્લેક્સમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઇમારતના કેટલાક ભાગોને નુકસાન થયું હતું અને તરત જ વકીલો તેમજ સ્ટાફને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા.
વિસ્ફોટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇમારતના અંદરના ભાગમાં ધૂળ અને ધુમાડાના વાદળો જોવા મળે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, વિસ્ફોટ પછી કોર્ટની અંદર ચાલી રહેલી કાર્યવાહી રોકી દેવામાં આવી હતી.
ઇસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ અલી નાસિર રિઝવીએ જણાવ્યું કે ઘટના સવારે 10:55 વાગ્યે બની હતી. તેમણે પુષ્ટિ કરી કે વિસ્ફોટમાં 12 લોકો ઘાયલ થયા છે અને સૌને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એસી પ્લાન્ટ પાસે થયું હતું, જ્યાં જાળવણીનું કામ ચાલી રહ્યું હતું. સૌથી વધુ ઇજાઓ એસી ટેકનિશિયનોને થઈ હતી, જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેના શરીરનો લગભગ 80 ટકા ભાગ બળી ગયો હતો.
સમા ન્યૂઝના અહેવાલ મુજબ, વિસ્ફોટ વખતે સુપ્રીમ કોર્ટની કોર્ટ રૂમ નંબર 6માં સુનાવણી ચાલી રહી હતી, પરંતુ ઘટનાને પગલે કાર્યવાહી તાત્કાલિક મુલતવી રાખવામાં આવી. કોર્ટ રૂમને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું પણ જણાઈ આવ્યું છે.
આ ઘટના બાદ સુરક્ષા દળોએ આખા કોર્ટ સંકુલને ઘેરી લીધું છે અને વિસ્ફોટના કારણોની વિગતવાર તપાસ શરૂ કરી છે.






