Home International Pakistan Digital Honey Trap India Social Media Espionage Alert

ભારતીય યુવાનોને ડિજિટલ હનીટ્રેપમાં ફસાવી રહ્યું છે પાકિસ્તાન : ઈમોશનલ બ્લેકમેલિંગ દ્વારા જાસૂસીનું ખતરનાક ષડયંત્ર

ભારતીય યુવાનોને ડિજિટલ હનીટ્રેપમાં ફસાવી રહ્યું છે પાકિસ્તાન
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 04:30 PM IST

ભારતના પડોશી દેશ પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પંજાબ અને હરિયાણામાં સામે આવેલા બે અલગ-અલગ જાસૂસીના કિસ્સાઓએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. પાકિસ્તાની હેન્ડલર્સ હવે માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, પરંતુ સગીરોને પણ પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. ઓનલાઈન સંપર્ક અને ભાવનાત્મક નબળાઈનો લાભ ઉઠાવીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત વિગતો કઢાવવાનું આખું નેટવર્ક સક્રિય બન્યું છે.

પઠાણકોટમાં 15 વર્ષનો સગીર પાકિસ્તાની એજન્સીઓના સંપર્કમાં

પંજાબના પઠાણકોટમાં પોલીસે એક 15 વર્ષના સગીરની ધરપકડ કરી છે, જેના પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને આતંકવાદી સંગઠનોને સંવેદનશીલ માહિતી મોકલવાનો ગંભીર આરોપ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ દ્વારા આ સગીરને જાળમાં ફસાવવામાં આવ્યો હતો.

પાકિસ્તાની હેન્ડલર્સે આ સગીર સાથે એવી ખોટી વાત કરી કે તેના પિતાની હત્યા કરી દેવામાં આવી છે. આ ઈમોશનલ બ્લેકમેલિંગ દ્વારા તેને માનસિક રીતે તોડી નાખવામાં આવ્યો અને તેનો વિશ્વાસ જીતી લેવામાં આવ્યો. આશરે એક વર્ષ સુધી તે પાકિસ્તાની નેટવર્ક સાથે જોડાયેલો રહ્યો અને સંવેદનશીલ સ્થળોના વીડિયો પણ શેર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અંબાલા એરફોર્સ સ્ટેશનનો કોન્ટ્રાક્ટર પણ ઝડપાયો

બીજી એક ઘટના હરિયાણાના અંબાલામાં બની છે, જ્યાં એરફોર્સ સ્ટેશનમાં સમારકામનું કામ કરતા સુનીલ ઉર્ફે સની નામના કોન્ટ્રાક્ટરની જાસૂસીના શંકાસ્પદ કેસમાં અટકાયત કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી સંરક્ષણ ક્ષેત્રની મહત્વની વિગતો બહાર મોકલી રહ્યો છે. તેનો મોબાઈલ ફોન જપ્ત કરતા જાણવા મળ્યું કે તે કોઈ અજાણી મહિલાના સંપર્કમાં હતો. આ મહિલા તેના પાસેથી એરફોર્સ બેઝ સાથે જોડાયેલી માહિતી માંગતી હતી, જે તે મોકલી રહ્યો હતો. આરોપી વર્ષ 2020થી એરફોર્સ સ્ટેશન પર કામ કરી રહ્યો હોવાથી તેની પાસે મહત્વની જાણકારી હોવાની શક્યતા છે.

ડિજિટલ હનીટ્રેપથી કેવી રીતે બચવું?

પાકિસ્તાની હેન્ડલર્સ મોટેભાગે સોશિયલ મીડિયા પર સુંદર મહિલાઓના નામે ફેક પ્રોફાઈલ બનાવે છે અને ભારતીય યુવાનો કે સુરક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે મિત્રતા કેળવે છે. શરૂઆતમાં સામાન્ય વાતો કર્યા બાદ તેઓ આર્થિક મદદ કે પ્રેમની લાલચ આપીને સંવેદનશીલ વિગતો માંગવાનું શરૂ કરે છે. આજના ડિજિટલ યુગમાં અજાણી વ્યક્તિ સાથે ઓનલાઈન વાત કરતી વખતે સતર્ક રહેવું અને અંગત કે સરકારી વિગતો શેર ન કરવી તે જ સુરક્ષાનો એકમાત્ર ઉપાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now