Pakistan US Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલા તણાવ અને સંઘર્ષ બાદ શાંતિ કરાર થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કરાર કરતાં વધુ ચર્ચા હવે પાકિસ્તાનના દાવાઓને લઈને થઈ રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે દાવો કર્યો છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ પ્રયાસોમાં પાકિસ્તાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં યોજાનાર હસ્તાક્ષર સમારોહનું યજમાનપદ પણ પાકિસ્તાન સંભાળશે. પરંતુ શેહબાઝ શરીફના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સવાલો ઊભા થયા છે. જો ખરેખર સમગ્ર સમજૂતી પાછળ પાકિસ્તાનની મુખ્ય ભૂમિકા હતી, તો પછી કરાર પર હસ્તાક્ષર પાકિસ્તાનમાં નહીં પરંતુ સ્વિટ્ઝર્લેન્ડમાં કેમ થઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
19 જૂને જિનીવામાં થઈ શકે છે ઐતિહાસિક હસ્તાક્ષર
પાકિસ્તાનના વડાપ્રધાનના જણાવ્યા અનુસાર આ શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં યોજાનાર સમારોહ દરમિયાન થવાની સંભાવના છે. તેણે કહ્યું કે, પાકિસ્તાન આ ઐતિહાસિક સમારોહનું યજમાનપદ સંભાળશે અને આ પ્રસંગ માત્ર પાકિસ્તાન માટે જ નહીં પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગૌરવની ક્ષણ બનશે. તેણે દેશની જનતા તેમજ વિદેશમાં વસતા પાકિસ્તાનીઓને પણ આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.
શેહબાઝ શરીફનો મોટો દાવો
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરતાં વડાપ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી માત્ર બે દેશો વચ્ચેનો કરાર નથી, પરંતુ સંવાદ અને રાજદ્વારી સફળતાની જીત છે. તેણે કહ્યું કે, છેલ્લા ત્રણ મહિના અને 16 દિવસથી સતત ચાલી રહેલા પ્રયાસો બાદ આખરે બંને દેશો વચ્ચે સમજૂતી બની છે. શેહબાઝના જણાવ્યા અનુસાર આ કરાર વૈશ્વિક ઊર્જા બજારોમાં ફરી સ્થિરતા લાવશે અને વિશ્વ અર્થતંત્રને રાહત આપશે.
દુનિયાની નજર જિનીવા પર, પાકિસ્તાન પર નહીં
શેહબાઝ શરીફે જાહેરાત કરી કે, 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં આ ઐતિહાસિક શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થશે. તેણે એવો પણ દાવો કર્યો કે આ સમારોહનું યજમાનપદ પાકિસ્તાન કરશે.
પરંતુ રાજદ્વારી વર્તુળોમાં આ દાવા પર ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ દેશ ખરેખર મધ્યસ્થ તરીકે કેન્દ્રસ્થાને હોય તો સામાન્ય રીતે અંતિમ સમજૂતી અને હસ્તાક્ષર પ્રક્રિયામાં તેની ભૂમિકા વધુ સ્પષ્ટ જોવા મળે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે "ડીલ પાકિસ્તાને કરાવી હોય તો પછી મંચ સ્વિટ્ઝર્લેન્ડમાં કેમ?"
ટ્રમ્પે કરી હતી ડીલની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, લગભગ 107 દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષે વૈશ્વિક ઊર્જા બજારોમાં ભારે અસ્થિરતા સર્જી હતી. હોર્મુઝ જળમાર્ગ અને તેલ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓના કારણે અનેક દેશો પર તેની અસર જોવા મળી હતી.
પાકિસ્તાને પોતાની ભૂમિકા વધારીને બતાવી?
શેહબાઝ શરીફે પોતાના ભાષણમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની પણ પ્રશંસા કરી હતી. તેણે દાવો કર્યો કે, આસિમ મુનીરે અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ઘણી વખત વાટાઘાટો અટકી જવાની સ્થિતિમાં હોવા છતાં પ્રયાસો ચાલુ રાખ્યા હતા. જોકે અત્યાર સુધી અમેરિકા, ઈરાન અથવા સ્વિટ્ઝર્લેન્ડ તરફથી પાકિસ્તાનની ભૂમિકાને લઈને કોઈ વિગતવાર સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. આ કારણે ઘણા વિશ્લેષકો પાકિસ્તાનના દાવાઓને સાવધાનીપૂર્વક જોવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન સમજૂતીથી ભારતને લાગશે 'જેકપોટ': સસ્તું તેલ, મજબૂત રૂપિયો અને ચાબહાર પોર્ટને મળશે નવી ગતિ
સોશિયલ મીડિયા પર શરૂ થઈ મજાક
શેહબાઝ શરીફના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અનેક મજેદાર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે, "જો પાકિસ્તાને ડીલ કરાવી હોય તો સમારોહ ઇસ્લામાબાદમાં કેમ નથી?" તો કેટલાકે તેને "ક્રેડિટ લેવા માટેની ઉતાવળ" ગણાવી છે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા-ઈરાન જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા હોય છે. આવા સંજોગોમાં કોઈ એક દેશ દ્વારા સમગ્ર સફળતાનો શ્રેય લેવાનો પ્રયાસ હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે.
19 જૂન પર ટકેલી વિશ્વની નજર
હાલ સમગ્ર વિશ્વની નજર 19 જૂને જિનીવામાં યોજાનાર સંભવિત હસ્તાક્ષર સમારોહ પર છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર થશે તો તે પશ્ચિમ એશિયાની રાજનીતિ અને વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ઘટના સાબિત થઈ શકે છે. પરંતુ કરાર જેટલી ચર્ચા હાલ થઈ રહી છે, એટલી જ ચર્ચા પાકિસ્તાનના દાવાઓને લઈને પણ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં અમેરિકા, ઈરાન અને અન્ય સંબંધિત દેશો આ મુદ્દે શું સત્તાવાર સ્પષ્ટતા કરે છે.





