China Robot Viral Video: Artificial Intelligence (AI) અને રોબોટિક્સની દુનિયા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. થોડા વર્ષો પહેલાં સુધી જે કામ માત્ર માણસો જ કરી શકે એવી માન્યતા હતી, તે આજે મશીનો સરળતાથી કરવા લાગી છે. ફેક્ટરીથી લઈને ઓફિસ અને હોસ્પિટલથી લઈને ઘરની અંદર સુધી રોબોટ્સ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. આ દરમિયાન ચીનમાંથી સામે આવેલા એક વીડિયોએ લોકોને હસાવ્યા પણ છે અને વિચારવા પણ મજબૂર કર્યા છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રોબોટ રસ્તા કિનારે ભિખારીની જેમ બેઠેલો જોવા મળે છે. તેની સામે એક પ્લેટ, બેગ અને QR કોડ રાખેલો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે રોબોટ પસાર થતા લોકો સામે પોતાની પ્લેટ આગળ ધરીને પૈસા માગતો જોવા મળે છે. આ અનોખું દૃશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ErenChenAI નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં એક હ્યુમનોઇડ રોબોટ રસ્તા પર ઘૂંટણિયે બેઠેલો જોવા મળે છે. રોબોટની સામે એક પ્લેટ અને QR કોડ મૂકવામાં આવ્યો છે, જ્યારે તે પોતાની પ્લેટ લોકોને તરફ લંબાવીને જાણે દાન માંગતો હોય તેવો દેખાય છે. વીડિયોમાં કેટલાક લોકો રોબોટની પ્લેટમાં પૈસા પણ મૂકતા જોવા મળે છે. આ દૃશ્ય એટલું અનોખું છે કે ઘણા લોકો પ્રથમ નજરે તેને સાચું માનવા તૈયાર નહોતા.
સોશિયલ મીડિયા પર શરૂ થઈ મજેદાર ચર્ચા
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મજેદાર પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક યુઝર્સે રમૂજી અંદાજમાં કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું કે, "લાગે છે હવે રોબોટ ભિખારીઓની નોકરી પણ લઈ જશે." બીજા એક યુઝરે મજાકમાં કહ્યું, "હાલ તો આ રોબોટ ક્યૂટ લાગે છે, પરંતુ ભવિષ્યમાં કદાચ આ જ વસ્તુ ડરામણી બની શકે છે." અન્ય એક યુઝરે લખ્યું, "પહેલા રોબોટ ફેક્ટરી અને ઓફિસની નોકરીઓ લઈ રહ્યા હતા, હવે રસ્તા પરના કામમાં પણ પ્રવેશી ગયા છે."
આ પણ વાંચો: પતિ 'ગે' નીકળતા મહિલાએ આપ્યા છૂટાછેડા: પછી જે થયું તે જાણીને ચોંકી જશો! વાયરલ દાવાએ બધાને ચોંકાવ્યા
કેટલાક લોકોએ વ્યક્ત કરી ચિંતા
જ્યાં ઘણા લોકો આ વીડિયોને મનોરંજન તરીકે જોઈ રહ્યા છે, ત્યાં કેટલાક લોકોએ તેને ટેક્નોલોજીના ભવિષ્ય સાથે પણ જોડ્યો છે. એક યુઝરે લખ્યું કે, "જો AI અને રોબોટ આટલા વિકસિત બની જશે તો ક્યાંક એવું ન બને કે ભવિષ્યમાં માણસોએ પોતાની જરૂરિયાતો માટે મશીનો સામે હાથ ફેલાવવા પડે." બીજા એક યુઝરે રમૂજી અંદાજમાં કહ્યું, "AIએ અમારી નોકરી લઈ લીધી, એટલે અમે ભીખ માગવા લાગ્યા અને હવે રોબોટ તે કામ પણ કરવા લાગ્યા છે."
પ્રયોગ કે મનોરંજન? સવાલો યથાવત્
હાલમાં સ્પષ્ટ નથી કે આ વીડિયો કોઈ ટેક્નોલોજીકલ પ્રયોગનો ભાગ હતો, કોઈ માર્કેટિંગ અભિયાન હતું કે પછી માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. જોકે વીડિયો પાછળનો સાચો હેતુ જે પણ હોય, તેણે લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ તેને શેર કર્યો છે.
આ પણ વાંચો: જોજો ગૂગલ મેપના ભરોશે ના રહેતા!: પરિવારને જવું હતું લગ્નમાં, પહોંચી ગયો સીધો નાળામાં
AI અને રોબોટ્સનું વધતું વર્ચસ્વ
છેલ્લા કેટલાક વર્ષોમાં AI અને રોબોટિક્સ ટેક્નોલોજીમાં ઝડપથી વિકાસ થયો છે. અનેક ક્ષેત્રોમાં માનવશક્તિની જગ્યાએ મશીનો કામ કરવા લાગી છે. આવી સ્થિતિમાં ચીનનો આ વાયરલ વીડિયો માત્ર મજાક નથી, પરંતુ ભવિષ્યમાં ટેક્નોલોજી કેટલી આગળ વધી શકે છે તેની એક ઝલક પણ ગણાવી શકાય. હાલ તો લોકો આ વીડિયોને જોઈને હસી રહ્યા છે, પરંતુ સાથે સાથે એ વિચારવા માટે પણ મજબૂર થયા છે કે આવનારા સમયમાં રોબોટ અને AI આપણા જીવનમાં કેટલી મોટી ભૂમિકા ભજવશે.





