નેપાળી રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદને પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો (લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા) ભારતમાં ઘણા હુમલાઓ માટે જવાબદાર છે. તેઓ ભારત પર હુમલો કરવા માટે નેપાળનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરી શકે છે. થાપાએ કાઠમંડુમાં નેપાળ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ એન્ગેજમેન્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. આ ઉચ્ચ-સ્તરીય સેમિનારનો વિષય 'દક્ષિણ એશિયામાં આતંકવાદ: પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે પડકારો' રાખવામાં હતો.
નેપાળના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાને શું કહ્યું ?
આ કાર્યક્રમમાં વ્યૂહાત્મક નિષ્ણાતો રાજદ્વારીઓ અને શિક્ષણવિદોએ ભાર મૂક્યો હતો કે, પાકિસ્તાનમાંથી ઉદ્ભવતો આતંકવાદ દક્ષિણ એશિયામાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે. નેપાળના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મીનેન્દ્ર રિજાલે જણાવ્યું હતું કે ભારતમાં આતંકવાદી હુમલાઓ નેપાળની આંતરિક સુરક્ષા પર પણ અસર કરે છે. સેમિનારમાં પાકિસ્તાન પર આતંકવાદને પ્રાયોજિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેણે દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠનને નબળું પાડ્યું છે. તેણે પ્રાદેશિક એકતાને પણ વિક્ષેપિત કરી છે.
'પાકિસ્તાન દક્ષિણ એશિયામાં આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે"
NIICEના ડિરેક્ટર ડૉ. પ્રમોદ જયસ્વાલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે અને ભંડોળ પૂરું પાડે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે. નેપાળના ભૂતપૂર્વ પ્રધાન શિશિર ખાનલે ભારતના ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, તેમણે સરહદ પાર આતંકવાદ સામે એક બોલ્ડ અને જરૂરી પગલું ગણાવ્યું. નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાનના સલાહકાર ડૉ. દિનેશ ભટ્ટરાયએ કહ્યું કે પહેલગામ હુમલો તાજેતરના વર્ષોમાં સૌથી ઘાતક હુમલો હતો. જેમાં લશ્કરે તોયબા દ્વારા 26 નાગરિકો માર્યા ગયા હતા. તેમાં એક નેપાળી નાગરિક સુમિત્રા કાર્કીનો પણ સમાવેશ થાય છે. આ હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેના હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ આતંકવાદી માળખાનો નાશ કરવામાં આવ્યો.





