પાકિસ્તાનમાં બલુચિસ્તાના કેચ જિલ્લાના તુર્બતમાં આતંકવાદીઓએ બે હિંદુઓની ગોળી મારીને હત્યા કરી હતી અને એકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. પોલીસે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ ઘટના સોમવારે સાંજે બની હતી, જ્યારે હરિ લાલ અને મોતી લાલ નામના બે હિંદુ વેપારીઓનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે શેરો મલ ગંભીર રીતે ઘાયલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે બે બાઈક પર સવાર માસ્ક પહેરેલા લોકોએ બજાર નજીક ચાર લોકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં બે હિંદુઓ માર્યા ગયા. અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. હજુ સુધી કોઈ બળવાખોર અથવા આતંકવાદી જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.
વેપાર વિવાદ કે આતંકવાદી હુમલો?
અન્ય એક અધિકારીએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ઘટના વ્યવસાયિક વિવાદનું પરિણામ હોઈ શકે છે કારણ કે મૃતક ધનાઢ્ય વેપારીઓ હતા. જોકે બલુચિસ્તાનમાં આતંકવાદી જૂથો ઘણીવાર સુરક્ષા દળો અને ચીની નાગરિકોને નિશાન બનાવે જ છે, લઘુમતી સમુદાય સામે આવી હિંસા ભાગ્યે જ જોવા મળે છે. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ ઘટનાની નિંદા કરી હતી અને પોલીસને જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
વધુ એક હત્યા
આ દરમિયાન, અન્ય એક ઘટના બલુચિસ્તાનના બુલેડા વિસ્તારમાં બની હતી જ્યાં મોહમ્મદ હયાત નામના વ્યક્તિની હથિયારધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બલુચિસ્તાન પાકિસ્તાનનો ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં દરરોજ આતંકવાદીઓ આવી રહ્યા છે.





