અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે. બંને દેશો વચ્ચે શુક્રવારે 48 કલાકના સીઝફાયર માટે સહમતિ જાહેર થયાના થોડા જ કલાકોમાં તણાવ ફરી વધ્યો છે. તાલિબાન સરકારે પાકિસ્તાન પર આરોપ મૂક્યો છે કે તેણે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા છે.
ડુરુન્ડ લાઈનની નજીક એરસ્ટ્રાઈકમાં 10નાં મોત
સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ ડુરુન્ડ લાઈન નજીક આવેલા પક્તિકા પ્રાંતના ઉરગુન સહિતના વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં કુલ 10 લોકોના મોત થયા છે, જેમાં અફઘાનિસ્તાનના ત્રણ જાણીતા ક્રિકેટરો — કબીર, સિબગાતુલ્લા અને હારુનનો પણ સમાવેશ થાય છે.
અફઘાન ક્રિકેટ બોર્ડે વ્યક્ત કર્યો શોક
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે હવાઈ હુમલામાં ટીમના ત્રણ ખેલાડીઓ ગુમાવવાનું દુઃખ અપ્રમાપ્ય છે. બોર્ડે પાકિસ્તાનની આ કાર્યવાહીનું કડક નિંદન કરી કહ્યું કે રમતગમત હંમેશા મિત્રતા અને શાંતિનો સંદેશ આપે છે, પરંતુ આ હુમલાએ ખેલજગતમાં પણ આઘાત ફેલાવ્યો છે.
અનેક ઈજાગ્રસ્ત, મૃતક આંક વધવાની ભીતિ
હુમલાની અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મળતી માહિતી મુજબ, અનેક લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું અહેવાલ છે. તેથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉરગુન જિલ્લાના લોકોમાં હજી પણ ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ છવાયેલું છે.
અફઘાનિસ્તાનનો પાકિસ્તાન સામે કડક વલણ
આ હુમલાની અસર રાજકીય અને રમતગમત બંને ક્ષેત્રમાં જોવા મળી રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે કે નવેમ્બર અંતે યોજાનારી ત્રિકોણીય T20 શ્રેણીમાં તે હવે ભાગ નહીં લે, કારણ કે આ શ્રેણીમાં પાકિસ્તાનનો પણ સમાવેશ હતો. બોર્ડે જણાવ્યું કે, “આ પરિસ્થિતિમાં રમતગમતના માધ્યમથી સહકાર શક્ય નથી.”






