પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાશ્મીર ઘાટીમાં પૂછપરછ માટે 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોને અલગ-અલગ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા જેમના નામ ઈન્ટેલિજન્સ વોચ લિસ્ટમાં છે તેઓનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓ હુમલાખોરોને આશ્રય આપનારને શોધવામાં વ્યસ્ત છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
એવું માનવામાં આવે છે કે આ મોટા પાયે દરોડા અને ધરપકડ અભિયાનનો ઉદ્દેશ્ય હુમલા પાછળના નેટવર્ક અને સ્લીપર સેલને શોધી કાઢવાનો છે. હુમલાખોરોને કોણે આશ્રય આપ્યો હતો, મદદ કરી હતી અથવા હથિયારો પૂરા પાડ્યા હતા તે જાણવા માટે આ તમામ લોકોની હાલમાં કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સને જોડીને દરેક શંકાસ્પદના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.
આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે અને ધાર્મિક, રાજકીય અને જાહેર કાર્યક્રમો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામેની આ લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને કોઈપણ ષડયંત્રને સફળ થવા દેવામાં આવશે નહીં.





