Home Entertainment Padma Awards 2026 Rohit Sharma Alka Yagnik Mammootty Honoured By President Murmu

Padma Awards 2026પદ્મ પુરસ્કાર 2026 : રોહિત શર્મા, આર માધવનથી લઈ અલ્કા યાજ્ઞિક સુધી, દેશના 65 દિગ્ગજોને રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે મળ્યું સન્માન

Padma Awards 2026
Play Video
Image Credit: @narendramodi @narendram
Published by: Nirali Gohil
Last Updated: Jun 24, 2026, 04:53 AM IST

Padma Awards 2026: નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં મંગળવારે યોજાયેલા ‘સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-2’ દરમિયાન ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ગણાતા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર 65 પ્રતિભાશાળી હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા હતા. આ અવસર પર ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. mઆ સમારોહમાં કુલ 65 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પહેલાં 25 મેના રોજ યોજાયેલા પ્રથમ સમારોહમાં પણ 65 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.

શિબુ સોરેનને મરણોપરાંત પદ્મ ભૂષણ

ઝારખંડ મુક્તિ મોર્ચાના સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શિબુ સોરેનને મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો એવોર્ડ તેમની પત્ની રૂપી સોરેને રાષ્ટ્રપતિના હસ્તે સ્વીકાર્યો હતો. શિબુ સોરેને આદિવાસી સમાજના હકો માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો અને ઝારખંડની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ન્યાયમૂર્તિ (નિવૃત્ત) કે.ટી. થોમસ અને પી. નારાયણનને સાહિત્ય, શિક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

ફિલ્મ અને સંગીત જગતના દિગ્ગજોને મળ્યું સન્માન

આ વર્ષની પદ્મ પુરસ્કાર યાદીમાં ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના અનેક જાણીતા ચહેરાઓનો સમાવેશ થયો હતો. પ્રખ્યાત ગાયિકા અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન તેમણે હજારો લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપ્યો છે અને ભારતીય સંગીત ક્ષેત્રે વિશેષ ઓળખ બનાવી છે. મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મામૂટીને પણ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. અનેક દાયકાઓથી ભારતીય સિનેમામાં સક્રિય રહેલા મામૂટીએ વિવિધ ભાષાઓની ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે. અભિનેતા આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હિન્દી, તમિલ, તેલુગુ સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં સફળ કારકિર્દી ધરાવતા માધવન ભારતીય સિનેમાના બહુમુખી કલાકારોમાં ગણાય છે.

Image

આ પણ વાંચો: કોણ હતી વિઠાબાઈ નારાયણ ગાંવકર? : ‘ઈથા’ ફિલ્મ પાછળ છુપાયેલી છે સંઘર્ષ, સમર્પણ અને લોકકલાની સાચી કહાની

ધર્મેન્દ્ર અને સતીશ શાહને મરણોપરાંત સન્માન

પદ્મ પુરસ્કારોમાં આ વર્ષે કેટલાક કલાકારોને મરણોપરાંત પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય સિનેમામાં તેમના અવિસ્મરણીય યોગદાનને માન્યતા આપતા આ સન્માન આપવામાં આવ્યું હતું. અભિનેતા સતીશ શાહને મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટેલિવિઝન, થિયેટર અને ફિલ્મ જગતમાં તેમની આગવી ઓળખ રહી હતી. તેમના પરિવારના સભ્યોએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

Image

રમતગમત ક્ષેત્રની હસ્તીઓ પણ સન્માનિત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ક્રિકેટ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ સ્થાપિત કરનાર રોહિત શર્મા ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક ગણાય છે. ભારતીય મહિલા હોકી ટીમની સ્ટાર ખેલાડી સવિતા પુનિયાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. તેમની કપ્તાની અને રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાએ ભારતીય હોકીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. આ ઉપરાંત ટેનિસ ખેલાડી અને કોચ ડૉ. વિજય અમૃતરાજને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય ટેનિસના વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર માનવામાં આવે છે.

Image

વિદેશી નાગરિકોને પણ મળ્યું સન્માન

આ વર્ષની યાદીમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમેરિકાના જાણીતા તબીબ ડૉ. દત્તાત્રેયુડુ નોરીને મેડિસિન ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અમેરિકાના પ્રોફેસર પ્રતીક શર્માને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. રશિયાની લ્યુડમિલા ખોખલોવાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. જ્યારે જ્યોર્જિયાના વ્લાદિમિર મેસ્તવિરીશ્વિલીને રમતગમત ક્ષેત્રે મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Image

પદ્મ પુરસ્કારનું શું છે મહત્વ?

પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે. તે ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી. કલા, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સમાજસેવા, ઉદ્યોગ, ચિકિત્સા અને જાહેર જીવન જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને આ સન્માન એનાયત કરવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now