Home Gujarat Surat Organ Donation From Brain Dead Jeweler Ashokbhai Nanubhai Donda Gives New Life To Seven People

સુરતના બ્રેઈનડેડ રત્નકલાકારના અંગદાનથી સાત વ્યક્તિઓને મળ્યું નવજીવન : હૃદય અને ફેફસા સહિત આ અંગોનું કર્યું દાન

Surat Organ Donation News
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 07:53 AM IST

સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે વિશ્વભરમાં 'ઓર્ગન ડોનર સિટી' તરીકે પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે. સુરતના એક મધ્યમવર્ગીય રત્નકલાકારના પરિવારે લીધેલા એક કઠિન પણ માનવતાવાદી નિર્ણયને કારણે આજે સાત પરિવારોમાં ખુશીનો દીવો પ્રગટ્યો છે. બીમાર પત્નીની સેવા કરતા કરતા અચાનક ઢળી પડેલા રત્નકલાકાર બ્રેઈનડેડ જાહેર થતા, તેમના પરિવારે દુઃખની ઘડીમાં પણ હિંમત દાખવી અંગદાનનો નિર્ણય લીધો હતો. આ અંગદાન થકી હૃદય, ફેફસા અને કિડની સહિત કુલ 7 અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમને નવું જીવન આપવામાં આવ્યું છે.

પત્નીને હોસ્પિટલથી બતાવીને આવ્યા અને અચાનક જ કાળનો પંજો પડ્યો

મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આવકાર રેસિડેન્સીમાં રહેતા 55 વર્ષીય અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ રહેવાસી. નારી, જિ. ભાવનગર) વ્યવસાયે રત્નકલાકાર હતા. ઘટનાના દિવસે તેઓ પોતાની બીમાર પત્નીને અમદાવાદ ખાતે ડોક્ટરને બતાવીને પરત ઘરે આવ્યા હતા. ઘરે આવીને હજુ તેઓ બેઠા જ હતા ત્યાં અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા.

દુઃખના પહાડ વચ્ચે પરિવારે લીધો અંગદાનનો ઐતિહાસિક નિર્ણય

અશોકભાઈના નિધનના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ અંગદાન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના કાઉન્સેલિંગ બાદ પરિવારે એક મોટું હૃદય રાખ્યું હતું. રત્નકલાકાર પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે અશોકભાઈ ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના અંગો થકી તેઓ અન્યના શરીરમાં જીવિત રહેશે. આ ઉમદા વિચાર સાથે પરિવારે હૃદય, ફેફસા, બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાની સંમતિ આપી હતી.

આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી : PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત મહાનુભાવોએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

ગ્રીન કોરિડોર મારફતે અંગો મોકલાયા, સાત લોકોને મળી નવી જિંદગી

અંગદાનની પ્રક્રિયા શરૂ થતા જ સુરતમાં ફરી એકવાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. દાનમાં મળેલા હૃદય અને ફેફસાને સમયસર જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી. કિડની અને લિવરને પણ અન્ય હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આમ, એક રત્નકલાકારના બલિદાન અને તેમના પરિવારની સમજદારીથી કુલ 7 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.

સુરત હવે 'ઓર્ગન ડોનર સિટી' તરીકે વિશ્વ ફલક પર

છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતમાંથી અંગદાનની જે પ્રવૃત્તિ વેગીલી બની છે, તેણે સમગ્ર દેશમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંગદાનના કિસ્સામાં સુરત હવે અન્ય મેટ્રો શહેરોને પણ પાછળ છોડી રહ્યું છે. અશોકભાઈ ડોંડા જેવા સામાન્ય માનવીના પરિવારો જ્યારે આ પ્રકારે આગળ આવે છે, ત્યારે 'અંગદાન એ જ મહાદાન'ની ભાવના ખરા અર્થમાં સાર્થક થતી જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now