Home International Open War Between Pak Afghanistan Donald Trump Praises Support Shahbaz And General Munir He Praised Him

પાક-અફઘાન 'ઓપન વોર' : ડોનાલ્ડ ટ્રમ્પ મેદાને, શાહબાઝ અને જનરલ મુનીરના કર્યા વખાણ; કહ્યું- "પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે'"

પાક-અફઘાન 'ઓપન વોર'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 09:02 AM IST

Trump to Intervene in Pak-Afghan Conflict: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ અત્યારે રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા શહેરો પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે 'ઓપન વોર' જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે વ્હાઇટ હાઉસથી ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પાકિસ્તાન માટે રાહત સમાન માનવામાં આવે છે. ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરને 'મહાન' ગણાવતા કહ્યું કે તેઓ આ સંઘર્ષને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરશે. બીજી તરફ, પાકિસ્તાને આ આતંકવાદી હુમલાઓ પાછળ ભારતનો હાથ હોવાનો જૂનો રાગ ફરી અલાપ્યો છે, જેનાથી પ્રાદેશિક તણાવ વધુ ઘેરો બન્યો છે.

ટ્રમ્પનો હસ્તક્ષેપ અને પરમાણુ યુદ્ધ અટકાવવાનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના પાકિસ્તાન સાથેના સંબંધો અત્યંત મજબૂત છે. તેમણે દાવો કર્યો કે વર્ષ 2025માં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધને અટકાવીને કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. અફઘાનિસ્તાન સાથેના વર્તમાન સંઘર્ષ અંગે ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે. તેમની પાસે પ્રતિભાશાળી વડાપ્રધાન અને જનરલ છે. હું આ મામલે ચોક્કસપણે દખલગીરી કરી શકું છું." અમેરિકાએ પાકિસ્તાનના 'આત્મરક્ષાના અધિકાર'નું સમર્થન કરીને તાલિબાન સરકારને ભીંસમાં મૂકી છે.

'ઓપરેશન ગઝબ-લિલ-હક': 274 લડવૈયાઓ માર્યા ગયાનો દાવો

પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન ગઝબ-લિલ-હક' શરૂ કર્યું છે. પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હુમલામાં અત્યાર સુધીમાં 274 અફઘાન તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 115 ટેન્કો નષ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમણે અફઘાનિસ્તાનની 18 સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો છે. જોકે, આ જંગમાં પાકિસ્તાને પણ પોતાના 12 સૈનિકો ગુમાવ્યા હોવાનું સ્વીકાર્યું છે.

ડ્રોન હુમલા અને પાકિસ્તાનમાં ઇમરજન્સી પ્રતિબંધ

અફઘાનિસ્તાને વળતો પ્રહાર કરતા પાકિસ્તાનના સૈન્ય મથકો પર ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. અહેવાલો મુજબ, અફઘાન ડ્રોન ઇસ્લામાબાદ પાસેના ન્યુક્લિયર એનર્જી સેન્ટર સુધી પહોંચી ગયા હતા, જોકે સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. આ સુરક્ષા ખામીને પગલે પાકિસ્તાની ગૃહ મંત્રાલયે દેશભરમાં ખાનગી ડ્રોન ઉડાડવા પર તાત્કાલિક પ્રતિબંધ લાદી દીધો છે. એબટાબાદ અને નૌશેરા જેવા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારત પર પાયાવિહોણા આક્ષેપો અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ

હંમેશની જેમ પાકિસ્તાને પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને આતંકવાદી હુમલાઓનો દોષ ભારત પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી ભારત પાકિસ્તાન વિરુદ્ધ ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. અત્યારે બંને દેશો વચ્ચે ડુરંડ લાઇન (Durand Line) પર ભારે ગોળીબાર ચાલુ છે. અગાઉ સાઉદી અરેબિયા અને કતારે મધ્યસ્થી કરી હતી, પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રીથી આ રાજકીય ખેલ કઈ દિશામાં જશે તેના પર વિશ્વની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now