logo-img
Online Payment Qr Code Scam Safety Tips Update

150ને બદલે 15000નો ચૂનો : ઓટો ડ્રાઈવરે QR કોડથી કરી છેતરપિંડી, જાણો ડિજિટલ સ્કેમથી બચવાની રીત

150ને બદલે 15000નો ચૂનો
Published by: Offbeat Team
| Last Updated: Feb 08, 2026, 04:57 PM IST

ભારતમાં હાલ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધતા લોકો રોકડને બદલે UPI એપ દ્વારા નાણાંની ચુકવણી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું અત્યંત સરળ અને ઝડપી હોવાથી તે લોકપ્રિય બન્યું છે. જોકે, આ સુવિધાની સાથે ઠગબાજોએ છેતરપિંડીના નવા રસ્તાઓ પણ શોધી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક ઓટો ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલ સ્કેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દરેક ઓનલાઈન યુઝર માટે ચેતવણી સમાન છે.

જલ્દી પેમેન્ટ કરવાની ઉતાવળમાં ખાતું થઈ શકે છે ખાલી

સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટર સંકેત પ્રકાશ ખંડાગલેએ એક કાલ્પનિક વાર્તા દ્વારા સમજાવ્યું છે કે કેવી રીતે લોકોની બેદરકારીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઓટોનું ભાડું 150 ચૂકવવા માટે ક્યુઆર કોડ સ્કેન કરે છે, પરંતુ તેના ખાતામાંથી સીધા 15000 કપાઈ જાય છે. સામાન્ય રીતે જ્યારે આપણે રકમ મેન્યુઅલી ટાઈપ કરીએ છીએ ત્યારે આવી ભૂલ થતી નથી, પરંતુ સ્કેનર જો પહેલેથી જ સેટ કરેલી રકમનું હોય તો ઉતાવળમાં યુઝર વિગતો ચેક કર્યા વગર જ પિન નાખી દે છે.

કઈ રીતે થાય છે આ QR કોડ સ્કેમ?

આ સ્કેમ પાછળની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી છે. વાસ્તવમાં ઠગબાજો જે ક્યુઆર કોડનો ઉપયોગ કરે છે તે માત્ર પેમેન્ટ લેવા માટે નથી હોતા, પરંતુ તે 'પેમેન્ટ રિક્વેસ્ટ' (Payment Request) ના હોઈ શકે છે. જ્યારે તમે આવો કોડ સ્કેન કરો છો, ત્યારે તમારી મોબાઈલ સ્ક્રીન પર રકમ મોકલવાની નહીં પણ રકમ મેળવવાની મંજૂરી માગતી રિક્વેસ્ટ દેખાય છે. જો તમે ઉતાવળમાં 'Collect', 'Pay' અથવા 'Approve' પર ક્લિક કરીને UPI પિન દાખલ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમે ઠગના ખાતામાં પૈસા મોકલવાની પરવાનગી આપી દીધી છે.

છેતરપિંડીથી બચવા માટે આટલી સાવચેતી રાખો

ઇન્સ્ટાગ્રામ પર @spiktec_ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી આ માહિતી મુજબ, બચવા માટે નીચે મુજબના પગલાં લેવા અનિવાર્ય છે:

  • સ્ક્રીન ચેક કરો: જ્યારે પણ કોઈ શાકભાજીવાળા, ઓટો ડ્રાઈવર કે ડિલિવરી બોય પેમેન્ટ માટે ઉતાવળ કરે, ત્યારે સ્કેન કર્યા પછી સ્ક્રીન પર રકમ અને તે પેમેન્ટ રિક્વેસ્ટ છે કે નહીં તે ખાસ જુઓ.

  • રિક્વેસ્ટ સ્વીકારશો નહીં: જો સ્ક્રીન પર 'Approve Request' લખેલું આવે, તો ક્યારેય ક્લિક ન કરો. યાદ રાખો કે પૈસા મેળવવા માટે ક્યારેય પિન નાખવાની જરૂર પડતી નથી.

  • ઉતાવળ ન કરો: ભીડમાં કે ઉતાવળમાં પેમેન્ટ કરતી વખતે હંમેશા પ્રાપ્તકર્તાનું નામ અને રકમની ખાતરી કરો.

ડિજિટલ વ્યવહારોમાં જાગૃતિ જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. જો તમે પણ વારંવાર ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો આવી નાની ભૂલ તમને મોટી આર્થિક નુકસાનીમાં ઉતારી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now