જલંધરના રસ્તા પર ધૂળ ખાતું જે લોખંડનું માળખું વર્ષોથી લોકોની નજરમાં માત્ર એક 'ભંગાર' હતું, તે રાતોરાત કરોડોનો ખજાનો સાબિત થશે એવી કલ્પના તો ખુદ તેના માલિકે પણ નહીં કરી હોય! જલંધરના શહીદ ભગતસિંહ ચોક પર છેલ્લા 105 વર્ષથી કાટ ખાઈ રહેલું એક જૂનું ટ્રેક્ટર આજે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને લોકો રસ્તાનો કચરો સમજીને પસાર થઈ જતા હતા, તેની કિંમત જ્યારે સાત સમુદ્ર પાર અમેરિકાની એક કંપનીએ 1.25 કરોડ રૂપિયા લગાવી, ત્યારે આખું પંજાબ સ્તબ્ધ થઈ ગયું હતું. આ ટ્રેક્ટરની કહાની ત્યારે શરૂ થઈ જ્યારે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આદિત્ય ગૌતમે તેનો વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂક્યો. આ વીડિયો વાયરલ થતા જ દુનિયાભરના વિન્ટેજ કલેક્ટર્સની નજર તેના પર પડી અને માલિકો પર ખરીદી માટે ફોન આવવા લાગ્યા. શરૂઆતમાં મુંબઈની એક પેઢીએ 2 લાખની ઓફર કરી, જે પછીથી વધીને 28 લાખ સુધી પહોંચી, પરંતુ અસલી ધડાકો ત્યારે થયો જ્યારે અમેરિકાથી ફોન આવ્યો.
અમેરિકાની એક વિન્ટેજ કલેક્ટર ફર્મે આ ઐતિહાસિક ટ્રેક્ટર માટે અધધ 1.25 કરોડ રૂપિયાની ઓફર કરી ત્યારે માલિકો પણ ચોંકી ગયા હતા. આ કોઈ સામાન્ય ટ્રેક્ટર નથી, પણ જર્મનીની શાનદાર એન્જિનિયરિંગ અને ઇતિહાસનું જીવંત પ્રતિક છે. જે ટ્રેક્ટર દાયકાઓથી ધૂળ ખાતું હતું, તેને જોવા હવે દુનિયાભરના લોકો પડાપડી કરી રહ્યા છે. આ ટ્રેક્ટર હવે પંજાબની ગલીઓમાંથી નીકળીને અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત 'એગ્રીકલ્ચર મ્યુઝિયમ'ની શાન બનવા જઈ રહ્યું છે.
શું છે આ ‘Lanz Bulldog’ ટ્રેક્ટરની ખાસિયત?
અમેરિકાની કંપનીએ જણાવ્યું કે આ ટ્રેક્ટર Lenz Bulldog HL12 મોડલ છે, જેનું ઉત્પાદન સૌપ્રથમ 1920માં જર્મનીમાં થયું હતું. હેનરિક લેન્ઝ દ્વારા બનાવવામાં આવેલું આ ટ્રેક્ટર જર્મન કૃષિ ક્રાંતિનો પુરાવો માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે માત્ર ડીઝલ પર જ નહીં, પરંતુ કોઈપણ પ્રકારના તેલ પર ચાલી શકતું હતું. આ ટ્રેક્ટર ક્રૂડ ઓઈલ (કાચું તેલ), વેજિટેબલ ઓઈલ (ખાદ્ય તેલ) કે વેસ્ટ ઓઈલથી પણ ચલાવી શકાતું હતું.
![]()
શા માટે તેનું નામ ‘બુલડોગ’ પડ્યું?
આ ટ્રેક્ટરનું નામ ‘બુલડોગ’ પડવા પાછળ એક રસપ્રદ કારણ છે. આ મશીનના હોટ-બલ્બ એન્જિનનું સિલિન્ડર હેડ દેખાવમાં બુલડોગ કુતરાના મોઢા જેવું લાગતું હતું, જેના કારણે તે દુનિયાભરમાં આ નામે પ્રખ્યાત થયું. તેની મજબૂતી અને એન્જિનિયરિંગ તેને અન્ય ટ્રેક્ટરોથી અલગ પાડે છે.
18 ફેબ્રુઆરીએ અમેરિકા જવા રવાના થયું
1.25 કરોડની આ મેગા ડીલ બાદ, 18 ફેબ્રુઆરીની વહેલી સવારે ક્રેનની મદદથી આ ટ્રેક્ટરને જલંધરના ચોક પરથી ઉઠાવવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટરને પહેલા મુંબઈ બંદરે મોકલવામાં આવ્યું છે અને ત્યાંથી દરિયાઈ માર્ગે તેને કેલિફોર્નિયા લઈ જવામાં આવશે. જલંધરના સ્થાનિક કાઉન્સિલર અને પડોશીઓએ પણ આ ઐતિહાસિક ક્ષણને કેમેરામાં કેદ કરી હતી.
![]()
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ કહાની
ઇન્સ્ટાગ્રામ પર @awareurself1 નામથી સક્રિય આદિત્ય ગૌતમના વીડિયોને અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકોએ જોયો છે અને લાખો લોકોએ તેને લાઈક કર્યો છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરતા લખી રહ્યા છે કે 'સાચે જ ઓલ્ડ ઇઝ ગોલ્ડ'. એક ભંગાર જેવી દેખાતી વસ્તુ પણ જો ઐતિહાસિક મહત્વ ધરાવતી હોય, તો તેની કિંમત કરોડોમાં હોઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે.




















