Home National Odisha School Books

ઓડિશાની આ શાળાઓના પુસ્તકોમાં 1678 ગંભીર ભૂલો : ન્યૂટનને પાયલટ ગણાવતા મુખ્યમંત્રી મોહન ચરણ માઝી એક્શનમાં

Odisha school textbook with errors 2026
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 19, 2026, 10:28 AM IST

સર આઇઝેક ન્યૂટન પાયલટ? ઓડિશાના શાળાના પુસ્તકોમાં 1678 ગંભીર ભૂલો

ઓડિશાની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 ના નવા શૈક્ષણિક સત્રના પુસ્તકોમાં એક મોટો છબરડો સામે આવ્યો છે. આ નવા પાઠ્યપુસ્તકોમાં કુલ 1678 જેટલી ગંભીર ભૂલો જોવા મળી છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે અને આ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સરકારે સમગ્ર મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

વિજ્ઞાન અને ભૂગોળના તથ્યો બદલાઈ ગયા

નવા પુસ્તકોમાં એવી ગંભીર ભૂલો કરવામાં આવી છે જેને જોઈને શિક્ષકો અને વાલીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સૌથી મોટી ભૂલ વિજ્ઞાનના પુસ્તકમાં છે, જેમાં મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનને એક "મહાન પાયલટ" તરીકે દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ભૂગોળ અને ઇતિહાસમાં પણ મોટો છબરડો થયો છે:

  • કર્ણાટક વિધાનસભાની તસવીરને ઓડિશા વિધાનસભા તરીકે છાપવામાં આવી છે.

  • કર્ણાટકના પ્રખ્યાત હમ્પી મંદિર પરિસરના ફોટાને કોણાર્ક સૂર્ય મંદિરનું નામ આપવામાં આવ્યું છે.

  • ઓડિશાની જાણીતી નિયમગિરિની ટેકરીઓને પાઠ્યપુસ્તકમાં ઝારખંડમાં દર્શાવવામાં આવી છે.

  • બ્રહ્મપુર શહેરને ગંજામ જિલ્લાનું એક શહેર દર્શાવવાને બદલે સીધો જિલ્લો જ જાહેર કરી દેવામાં આવ્યો છે.

  • વિજ્ઞાનના પ્રકરણોમાં તાપમાનને દબાણ (Pressure) તરીકે લખાયું છે અને 'Equinox' (વિષુવવૃત્ત સમય) ની જગ્યાએ 'Equator' (વિષુવવૃત્ત રેખા) શબ્દનો ઉપયોગ થયો છે.

આ પણ વાંચો: ચોમાસાની નવી અપડેટ | UP માં વીજળી-વાવાઝોડાથી 5 ના મોત, 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન | Offbeat Stories

ધોરણ 8 ના પુસ્તકોમાં સૌથી વધુ 705 ભૂલો

આ પુસ્તકો શૈક્ષણિક સત્ર 2026-27 માટે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 અને ઓડિશા ક્યુરિકુલમ ફ્રેમવર્ક 2025 હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. શાળા અને જન શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, સૌથી ખરાબ સ્થિતિ ધોરણ 8 ના પુસ્તકોની છે, જેમાં એકલા જ 705 ભૂલો મળી આવી છે.

હાલમાં વિદ્યાર્થીઓ ખોટું ન ભણે તે માટે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને એક સુધારા યાદી (Corrigendum) મોકલી આપી છે. શિક્ષકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ વર્ગખંડમાં ભણાવતી વખતે આ સુધારેલી યાદીનો જ ઉપયોગ કરે.

મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

આ ઘટના બાદ ઓડિશા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં 3 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને આગામી 7 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પુસ્તકોની ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયામાં ક્યાં ખામી રહી ગઈ તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે અને દોષિતો સામે આકરા પગલાં લેવાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now