ઓડિશાના ક્યોંઝર જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદયને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. બેંકિંગ વ્યવસ્થાની જડતા અને સરકારી નિયમોની જટિલતાને કારણે એક લાચાર ભાઈને પોતાની મૃત બહેનના અસ્થિઓ (હાડપિંજર) ખભે ઊંચકીને બેંક સુધી આવવાની ફરજ પડી હતી. આદિવાસી શખ્સ જીતુ મુંડા પોતાની મોટી બહેનના ખાતામાં જમા થયેલા ૨૦ હજાર રૂપિયા કઢાવવા માટે અનેક વખત બેંકના ધક્કા ખાધા હતા, પરંતુ બેંક કર્મચારીઓએ દરેક વખતે "ખાતાધારકને રૂબરૂ લાવો" તેવો આદેશ આપતા અંતે કંટાળેલા ભાઈએ આ અમાનવીય પગલું ભર્યું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે કે શું ટેકનોલોજી અને નિયમોના આ યુગમાં માનવીય સંવેદનાઓ સાવ મરી પરવારી છે? જીતુ મુંડા લગભગ ૩ કિમી સુધી બહેનનું હાડપિંજર ખભે લઈને ચાલ્યો અને બેંકના વરંડામાં મૂકી દીધું, જેને જોઈને ત્યાં હાજર લોકો અને બેંક સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કબરમાંથી હાડપિંજર કાઢી ૩ કિમી પગપાળા ચાલ્યો ભાઈ
ક્યોંઝરના ડિયાનાલી ગામનો રહેવાસી જીતુ મુંડા આર્થિક રીતે અત્યંત નબળો છે. તેની મોટી બહેન કાલરા મુંડાનું મૃત્યુ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થયું હતું. કાલરાના બેંક ખાતામાં ૨૦ હજાર રૂપિયા જમા હતા. જીતુએ બેંકમાં અગાઉ અનેકવાર બહેનના મૃત્યુની જાણ કરી હતી, પરંતુ બેંકના કર્મચારીઓ માનવા તૈયાર નહોતા. કર્મચારીઓએ વારંવાર એક જ રટણ કર્યું કે, "જેના નામે ખાતું છે તેને રૂબરૂ હાજર કરો તો જ પૈસા મળશે." નિયમોથી અજાણ અને બહેનના પૈસા પર ગુજરાન ચલાવવાની આશા રાખતા જીતુએ અંતે કબરમાંથી બહેનનું હાડપિંજર કાઢ્યું અને મલ્લિપસી સ્થિત ઓડિશા ગ્રામીણ બેંકની શાખામાં પહોંચી ગયો.
બેંક કર્મચારીઓએ પોલીસ બોલાવી, પોલીસ બની મદદે
જ્યારે જીતુ હાડપિંજર લઈને બેંકના વરંડામાં પહોંચ્યો ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. બેંક અધિકારીઓએ તાત્કાલિક પટના પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જીતુ સંપૂર્ણપણે નિરક્ષર છે અને તેને કાયદાકીય પ્રક્રિયા જેમ કે 'વારસદાર પ્રમાણપત્ર' કે 'નોમિની' વિશે કોઈ જ્ઞાન નથી. સ્ટેશન ઇન્ચાર્જ કિરણ પ્રસાદ સાહુએ જણાવ્યું કે બેંકના અધિકારીઓ પણ જીતુને પૈસા કઢાવવાની સરળ પ્રક્રિયા સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે આ વિચિત્ર સ્થિતિ સર્જાઈ.
શા માટે આ રકમ જીતુ માટે મહત્વની હતી?
જીતુની બહેન કાલરા મુંડાના ખાતામાં નોમિની તરીકે તેના પતિ અને પુત્રના નામ હતા, પરંતુ કમનસીબે તે બંનેનું પણ અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું હતું. પરિવારમાં જીતુ મુંડા જ એકમાત્ર જીવિત વારસદાર બચ્યો હતો. આર્થિક રીતે પાયમાલ જીતુ માટે ૨૦ હજારની રકમ તેના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી હતી. પોલીસની મધ્યસ્થી બાદ જીતુને ખાતરી આપવામાં આવી છે કે પ્રશાસન તેને વહેલી તકે આ પૈસા અપાવશે. ત્યારબાદ, પોલીસની હાજરીમાં જ હાડપિંજરને ફરીથી સન્માનપૂર્વક દફનાવવામાં આવ્યું હતું.
નિયમોની જડતા સામે ઉઠ્યા સવાલો
આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને ગ્રાહક સેવાના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ એક અભણ આદિવાસી વ્યક્તિને તેના હકના પૈસા માટે પોતાની બહેનનો મૃતદેહ રજૂ કરવો પડે તે વ્યવસ્થાની મોટી નિષ્ફળતા દર્શાવે છે.





