NSA Ajit Doval Saudi Visit: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને ઈઝરાયલ-લેબનોન તણાવ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયા પહોંચ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) બંધ થવાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટો અવરોધ ઉભો થયો છે. ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં ન મુકાય તે માટે વડાપ્રધાન મોદીના વિશ્વાસુ ડોભાલ પોતે મેદાનમાં ઉતર્યા છે અને સાઉદીના ટોચના નેતાઓ સાથે મહત્વની બેઠકો કરી છે.
ભારત માટે સાઉદી અરેબિયા માત્ર વ્યૂહાત્મક ભાગીદાર જ નથી, પરંતુ રશિયા અને ઈરાક પછીનો ત્રીજો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ છે. પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતાની સીધી અસર ભારતના અર્થતંત્ર અને તેલના ભાવ પર પડી શકે છે. આ મુલાકાત દ્વારા ભારત ખાતરી કરવા માંગે છે કે ભલે યુદ્ધની સ્થિતિ હોય, પરંતુ ભારતને મળતો ઉર્જા પુરવઠો અવિરત ચાલુ રહે. રિયાધ એરપોર્ટ પર સાઉદીના રાજકીય બાબતોના નાયબ મંત્રી સાઉદ અલ-સાતીએ ડોભાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેઓ અગાઉ ભારતમાં રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.
સાઉદીના ટોચના મંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક
રિયાધમાં અજીત ડોભાલે સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન અને વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે મહત્વની મંત્રણા કરી હતી. આ ઉપરાંત, તેમણે સાઉદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ-ઐબાન સાથે પણ પ્રાદેશિક સુરક્ષા મામલે ચર્ચા કરી હતી. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધો, પરસ્પર હિતના વિષયો અને પશ્ચિમ એશિયાની વર્તમાન ગંભીર સ્થિતિ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નેશનલ હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ, અતિક્રમણ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ : આપ્યા કડક નિર્દેશો
એનર્જી પાર્ટનર્સ સાથે ભારતનું મજબૂત આઉટરીચ
અજીત ડોભાલની આ મુલાકાત ભારતના વ્યાપક રાજદ્વારી અભિયાનનો એક ભાગ છે. નોંધનીય છે કે, ડોભાલના પ્રવાસના થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએઈ (UAE)ની મુલાકાત લીધી હતી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી કતાર ગયા હતા. ભારત તેના તમામ મોટા ઉર્જા ભાગીદારો સાથે સીધા સંપર્કમાં છે જેથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી થતા નુકસાનને ઓછું કરી શકાય.
40 લાખ ભારતીયોની સુરક્ષા અને વેપારી જહાજોનો મુદ્દો
સાઉદી અરેબિયામાં લગભગ 40 લાખ ભારતીય નાગરિકો વસવાટ કરે છે, જેમની સુરક્ષા ભારત સરકાર માટે પ્રાથમિકતા છે. યુદ્ધની સ્થિતિમાં આ લોકોની સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું મનાય છે. આ સાથે જ, ભારતે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારી જહાજોની સુરક્ષિત અને અવરોધ રહિત અવરજવર માટે અપીલ કરી છે. નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે સંઘર્ષનો ઉકેલ માત્ર મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા જ આવવો જોઈએ.





