કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છત્તીસગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દંતેવાડામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી અને નક્સલવાદીઓને તેમના હથિયારો નીચે મૂકવા વિનંતી કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે કોઈપણ નક્સલવાદીની હત્યાથી કોઈ ખુશ નથી. તેમણે કહ્યું કે જે નક્સલવાદીઓ આત્મસમર્પણ કરશે તેઓ મુખ્ય પ્રવાહનો હિસ્સો બનશે, જે નહીં કરે તેમની સાથે સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આવતા વર્ષે માર્ચ સુધીમાં ભારતમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે તેવો દાવો કરતા શાહે કહ્યું કે હવે નક્સલવાદીઓ હથિયારોના જોરે આદિવાસીઓના વિકાસને રોકી શકતા નથી, તેઓએ વિકાસ યાત્રાનો હિસ્સો બનવું પડશે. દંતેવાડામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'બસ્તર પંડુમમ' ઉત્સવના સમાપન સમારોહને સંબોધિત કરતી વખતે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું.
સભાને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું, 'અહીં (બસ્તરમાં) ગોળીઓ ચલાવવામાં આવતી અને બોમ્બ વિસ્ફોટ થયા તે સમય ગયો. તેથી આજે ફરી એકવાર હું તમામ નક્સલવાદી ભાઈઓને વિનંતી કરવા આવ્યો છું, જેમના હાથમાં હથિયાર છે અને જેમની પાસે હથિયાર નથી, તેઓ શસ્ત્રો નીચે મૂકે અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરે. તમે અમારા જ છો, જ્યારે કોઈ નક્સલવાદી માર્યો જાય ત્યારે કોઈ ખુશ થતું નથી. પરંતુ આ વિસ્તારને વિકાસની જરૂર છે, જે વિકાસ અહીં 50 વર્ષમાં થયો નથી,.તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 5 વર્ષમાં બસ્તરને બધું આપવા માંગે છે.
તેમણે આગળ કહ્યું, 'બસ્તરની જમીન પર આ વિકાસ કેવી રીતે થઈ શકે? આ ત્યારે જ થઈ શકે જ્યારે શાંતિ હોય, બાળકો શાળાએ જાય, ગામડાઓ અને તાલુકાઓમાં આરોગ્ય સુવિધાઓ હોય, દરેક પાસે આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આરોગ્ય વીમો હોય. આવું ત્યારે જ થઈ શકે જ્યારે બસ્તરના લોકો નક્કી કરે કે તેઓ તેમના ઘર અને ગામડાઓને નક્સલ મુક્ત બનાવશે. શાહે કહ્યું કે મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ અને નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ જાહેરાત કરી છે કે જે ગામો નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવામાં મદદ કરે છે અને પોતાને માઓવાદી મુક્ત જાહેર કરે છે, તેમને 1 કરોડ રૂપિયા (નિર્માણ કાર્યો માટે) આપવામાં આવશે. 'કોઈ કોઈને મારવા નથી માગતું..' શાહે કહ્યું, 'આજે અમે બંને બાજુથી નક્સલવાદ સામે આગળ વધી રહ્યા છીએ. જેઓ સમજી ગયા છે કે વિકાસ માટે હાથમાં બંદૂકની જરૂર નથી, કમ્પ્યુટરની જરૂર છે. વિકાસ માટે, તેમને IED અથવા હેન્ડ ગ્રેનેડની જરૂર નથી, તેમને પેનની જરૂર છે. તેઓએ આત્મસમર્પણ કર્યું છે. ,






