Home Automobile Night Driving Safety Tips Gujarati

રાત્રિના સમયે લાંબી ડ્રાઇવિંગ કરો છો? : આ બાબતોનું રાખો ખાસ ધ્યાન નહિતર નાની બેદરકારી મોટી દુર્ધટનામાં પરિણમશે!

Night Driving Tips
Published by: Aryan Shah
Last Updated: May 25, 2026, 01:56 PM IST

Night Driving Tips : રાત્રિના સમયે રસ્તાઓ ખાલી અને શાંત દેખાતા હોવાથી ઘણા લોકોને લાંબી મુસાફરી કરવી ખૂબ જ સરળ અને આરામદાયક લાગે છે. ટ્રાફિક ઓછો હોવાને કારણે લોકો રાત્રે ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ સમયે જ સૌથી વધુ ગંભીર માર્ગ અકસ્માતો જોવા મળે છે. રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરની એક નાની બેદરકારી પણ આખા પરિવારને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ઝાંખો પ્રકાશ, વાહનોની હાઇ સ્પીડ અને થાક જેવી બાબતો ડ્રાઇવરનું ધ્યાન ભંગ કરે છે. તેથી રાત્રિના સફરને સુરક્ષિત બનાવવા માટે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી છે.

તેજસ્વી લાઇટ અને આંખોની સમસ્યા

રાત્રે સામેથી આવતા વાહનોની તેજસ્વી હેડલાઇટ ડ્રાઇવરની આંખો પર સીધી અસર કરે છે. ઘણી વખત આ હાઇ-બીમ લાઇટના કારણે થોડી સેકન્ડો માટે સામેનો રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં ડ્રાઇવર ગભરાઈ જાય છે અને સ્ટીયરીંગ પરથી કંટ્રોલ ગુમાવી બેસે છે, જે અકસ્માતનું મોટું કારણ બને છે. આ સમસ્યાથી બચવા માટે તમારા વાહનની વિન્ડશિલ્ડ એટલે કે આગળનો કાચ અને અરીસા હંમેશા સાફ રાખવા જોઈએ જેથી પ્રકાશ ફેલાય નહીં અને દ્રશ્યતા સારી રહે.

થાક અને ઊંઘનું જોખમ

લાંબા અંતરની મુસાફરીમાં મોડી રાત્રે સતત વાહન ચલાવવાથી શરીર ખૂબ જ થાકી જાય છે. ધીમે-ધીમે આંખો ભારે થવા લાગે છે અને સુસ્તી ચઢે છે. ઘણા ડ્રાઇવરો આ થાકને અવગણીને કાર ચલાવવાનું ચાલુ રાખે છે, પરંતુ ચાલુ વાહને આવતી એક નાની ઝપકી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, જો મુસાફરી લાંબી હોય તો વચ્ચે-વચ્ચે કાર રોકીને ચા-પાણી પીવા જોઈએ અને થોડો આરામ કરવો જોઈએ જેથી કરીને આખો સફર ફ્રેશ માઇન્ડ સાથે પૂરો થઈ શકે.

સ્ટાઇલિશ લુક, દમદાર પાવર અને શાનદાર માઇલેજ...: કોલેજ સ્ટુડન્ટ્સ અને નવા રાઇડર્સ માટે બેસ્ટ છે આ ત્રણ બાઇક્સ

વધુ પડતી સ્પીડ અને ખરાબ આદતો

રાત્રે રસ્તાઓ ખાલી જોઈને મોટાભાગના લોકો કારની સ્પીડ મર્યાદા કરતાં વધુ વધારી દે છે. આ ઓવરસ્પીડિંગના કારણે રસ્તા પર અચાનક આવતા ખાડા, વળાંક અથવા કોઈ પ્રાણી સાથે વાહન અથડાવાનું જોખમ વધી જાય છે. કારણ કે રાત્રે અંતર અને ગતિનું સાચું મૂલ્યાંકન કરવું અઘરું હોય છે. આ સિવાય ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન જોવો કે મ્યુઝિક સિસ્ટમ બદલવી જેવી ટેવો પણ ધ્યાન ભટકાવે છે. જો હવામાન ખરાબ હોય, જેમ કે વરસાદ કે ધુમ્મસ હોય, તો સ્પીડ હંમેશા ધીમી રાખવી અને આગળના વાહનથી સુરક્ષિત અંતર જાળવવું હિતાવહ છે.

ભારતીય ઓટો માર્કેટમાં તેજી: દર મિનિટે વેચાઈ રહ્યા છે 54 વાહનો, નાણાકીય વર્ષ 2026માં ભારતીયોએ વાહનો પાછળ ખર્ચ્યા અબજો રૂપિયા

સુરક્ષિત સફર માટે નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતોના મતે રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે દિવસ કરતાં બમણી સાવધાની રાખવી જરૂરી છે. હંમેશા સીટ બેલ્ટ પહેરી રાખવો અને સ્પીડ લિમિટનું પાલન કરવું જ તમને અકસ્માતથી બચાવી શકે છે. કારની હેડલાઇટ અને ટેલલાઇટ યોગ્ય રીતે કામ કરતી હોવી જોઈએ. થોડીક સજાગતા અને સમજદારી તમારી તેમજ તમારા પરિવારની મુસાફરીને સુખદ અને સુરક્ષિત બનાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now