Maruti Suzuki to Hike Prices: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ પોતાની તમામ કારોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, જૂન 2026થી નવી કિંમતો લાગુ થશે. અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટના આધારે વાહનોની કિંમતમાં મહત્તમ 30,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.
કિંમતો કેમ વધી રહી છે?
કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર સતત વધી રહેલા ઇનપુટ કોસ્ટ (કાચા માલની કિંમત) અને મોંઘવારીનું દબાણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કંપની ખર્ચ ઘટાડવા માટે અનેક પ્રયાસો કરી રહી હતી જેથી ગ્રાહકો પર ઓછો બોજ પડે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં કિંમતોમાં આંશિક વધારો કરવો અનિવાર્ય બન્યો છે.
આવતીકાલે લોન્ચ થશે નવી Honda City અને પાવરફુલ SUV ZR-V : જાણો ફીચર્સ અને કિંમત
અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે નક્કી થશે કિંમતો
મારુતિ સુઝુકીએ એમ પણ કહ્યું છે કે ગ્રાહકો પર તેની અસર ઓછામાં ઓછી પડે તે માટે કંપનીએ પૂરો પ્રયાસ કર્યો છે. જો કે, કિંમતોમાં આ વધારો અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટના આધારે નક્કી કરવામાં આવશે.
અન્ય કંપનીઓ પણ વધારી રહી છે કિંમતો
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય પેસેન્જર વ્હીકલ ઈન્ડસ્ટ્રીમાં ઘણી કંપનીઓ કિંમતો વધારી રહી છે. કોમોડિટીની વધતી કિંમતો, લોજિસ્ટિક્સ ખર્ચ અને મોંઘવારીના કારણે ઓટો કંપનીઓ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
આ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ પોતાની SUV અને કોમર્શિયલ વ્હીકલ રેન્જની કિંમતોમાં વધારાની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે 6 એપ્રિલ 2026થી કિંમતોમાં મહત્તમ 2.5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે, જ્યારે સરેરાશ વધારો આશરે 1.6 ટકા જેટલો રહેશે. મહિન્દ્રાએ આની પાછળ વધતા ઇનપુટ અને ઓપરેશનલ કોસ્ટને જવાબદાર ગણાવ્યા હતા.
ટાટા મોટર્સ
ટાટા મોટર્સે પણ 1 એપ્રિલ 2026થી પોતાના ઈન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) પેસેન્જર વ્હીકલ્સની કિંમતોમાં નજીવો વધારો કરવાની પુષ્ટિ કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, સરેરાશ વધારો આશરે 0.5 ટકા રહ્યો હતો અને તેનું મુખ્ય કારણ સતત વધી રહેલો ઇનપુટ કોસ્ટ છે.
મારુતિ સુઝુકીએ ભારતમાં વધારી ઉત્પાદન ક્ષમતા : હવે દર વર્ષે બનાવશે 26 લાખથી વધુ ગાડીઓ
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા
આ સિવાય હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પણ મે 2026થી પોતાની આખી કાર લાઇનઅપની કિંમતોમાં 1 ટકા સુધીના વધારાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે કિંમતોમાં આ વધારો મોડલ અને વેરિઅન્ટ અનુસાર અલગ-અલગ રહેશે. ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા સતત થઈ રહેલો કિંમતોનો વધારો એ સંકેત આપે છે કે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલા ખર્ચનું દબાણ હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા માટે સ્પર્ધાત્મક કિંમતો જાળવી રાખવાની સાથે-સાથે ખર્ચનો કેટલોક હિસ્સો ગ્રાહકો પર નાખવા મજબૂર બની છે.





