અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA
9/11 અમેરિકાના ટ્વીન ટાવર પરનો આતંકી હુમલો અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે, હજારો લોકો મોતને ભેટ્યા. આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતું ન્યુ જર્સી રાજ્યમાં બનાવવામાં આવ્યું છે સ્ટીલની દિવાલનું મેમોરિયલ વોલ.
સ્ટીલની દીવાલથી બનાવવામાં આવેલું મેમોરીયલ, New Jerseyના લિબર્ટી સ્ટેટ પાર્કમાં આવેલું છે. "મેમોરિયલ વોલ" નો ઉલ્લેખ સામાન્ય રીતે Empty Sky 9/11 મેમોરિયલ તરીકે થાય છે, આ સ્મારકને 10 સપ્ટેમ્બર, 2011ના રોજ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
મેમોરિયલ બે સમાંતર સ્ટેન્લેસ સ્ટીલની દિવાલથી બનાવેલું છે, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સના દરેક પાસાના લંબાઈ જેટલી લાંબી છે. સ્ટીલના મેમોરિયલની બિલકુલ આગળના ભાગમાં ટ્વીન ટાવર નો કાટમાળ મૂકવામાં આવ્યો છે, આવા અસંખ્ય લોખંડી ગર્ડરોથી બંને ટાવર બનાવવામાં આવ્યા હતા.
11 સપ્ટેમ્બર 2001 ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરીકે ઓળખાતા નોર્થ ટાવર અને સાઉથ ટાવરમાં વિસ્ફોટકોથી ભરેલા પ્લેન આતંકવાદીઓએ ટકરાવી દીધા. બંને ટાવરમાં પ્લેન અથડાતાની સાથે જબરજસ્ત વિસ્ફોટ ફૂટ થયો, અને લોખંડી Structure ધરાવતા બિલ્ડીંગો Air fuel અને વિસ્ફોટકોની આગમાં પીગળવા લાગ્યાં. 110 માળની બંન્ને બિલ્ડીંગો હતી, તે પૈકી નોર્થ ટાવરની ઊંચાઈ હતી 1368 ફૂટ અને સાઉથ ટાવરની ઊંચાઈ હતી 1362 ફૂટ.
11 સપ્ટેમ્બર, 2001ના આ આતંકી હુમલામાં કુલ 2977 લોકોના મોત થયા હતા, જે પૈકી ન્યુ-જર્સીના 746 નાગરિકોના નામ મેમોરિયલમાં સમર્પિત છે. લિબર્ટી સ્ટેટ પાર્ક ન્યુ જર્સી રાજ્યનું એક મહત્વપૂર્ણ પાર્ક છે, જર્સી સિટીમાં Upper New York Bay પર તે આવેલું છે. સ્ટીલની દિવાલ પર ન્યુ જર્સીના નાગરિકોના નામ લખવામાં આવ્યાં છે, જેમાં ન્યુ જર્સીમાં રહેતા અથવા તેની સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. દિવાલ વચ્ચે એક પાથ છે જેની વચ્ચે ચાલીને લોકો મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સ્ટીલની દિવાલ દિવસના પ્રકાશમાં બદલાતા રંગોને પ્રતિબિંબિત કરે છે, જે શોક અને આશાનું પ્રતીક છે.
આ પાર્ક લિબર્ટી આઇલેન્ડ (Statue of Liberty) અને એલિસ આઇલેન્ડ (Ellis Island) પાસે આવેલું છે, વિશ્વવિખ્યાત મેનહેટન સ્કાયલાઇનના અદ્ભુત દૃશ્યો જોવા મળે છે. 1,212 એકરમાં ફેલાયેલું લિબર્ટી સ્ટેટ પાર્ક, ન્યુ જર્સી રાજ્યનું સૌથી મોટું શહેરી વિસ્તારમાં આવેલું પાર્ક છે. જેમાં પિકનિક એરિયા, રમતના મેદાનો અને લિબર્ટી વોક જેવા માર્ગોનો સમાવેશ થાય છે.
હડસન નદીના કિનારે અહીં સેન્ટ્રલ રેલરોડ ઓફ ન્યુ જર્સી ટર્મિનલ પણ છે જે મેમોરિયલને જોડે છે. આ માર્ગ પરથી મેનહટનની સ્કાયલાઇન, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને એલિસ આઇલેન્ડના અદ્ભુત દૃશ્યો જોવા મળે છે. હડસન નદીમાં પ્રાઇવેટ ક્રુઝ પણ ચાલે છે, ક્રુઝમાં બેસીને દર વર્ષે અસંખ્ય પ્રવાસીઓ ન્યુજર્સી થી ન્યુયોર્ક તરફ પાણીના માર્ગે આવતા વિવિધ આઇલેન્ડ અને અન્ય સ્થળોને જોવાનો આનંદ લે છે. એવું કહી શકાય કે વોકિંગ, જોગિંગ, સાયક્લિંગ અને રોલર-બ્લેડિંગ માટે આ આદર્શ સ્થળ છે.
પાર્કની આ વિશેષતાઓને કારણે દર વર્ષે લગભગ 45 લાખ પર્યટકો આવે છે
મેમોરિયલની ડિઝાઇન આર્કિટેક્ટ જેસિકા જેમરોઝ (Jessica Jamroz) અને ફ્રેડરિક શ્વાર્ટ્ઝ (Frederic Schwartz) દ્વારા કરવામાં આવી છે. શ્વાર્ટ્ઝે ટ્વિન ટાવર્સના પતનને પોતાની નજર સમક્ષ જોયું હતું. ન્યુ જર્સીનું આ અધિકૃત 9/11 સ્મારક છે.
આ મેમોરિયલ માત્ર શોકનું પ્રતીક નથી, પરંતુ એકતા, યાદ અને પુનઃનિર્માણનું પણ છે. મેમોરિયલની ડિઝાઇનને વિશ્વભરમાં પ્રશંસા મળી છે. તે પાર્કને શૈક્ષણિક અને ઐતિહાસિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે.






