Home Gujarat New Constitution Of Thakor Samaj Announced Genibeh Begs For Sada Ram Dham

"સગાઈમાં માત્ર સાડી, નારિયેળ અને રૂપિયો જ લઈને જવાનો..." : ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર, સદારામ ધામ માટે ગેનીબેને ખોળો પાથરી ભીખ માંગી

"સગાઈમાં માત્ર સાડી, નારિયેળ અને રૂપિયો જ લઈને જવાનો..."
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 11:35 AM IST

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજ સમક્ષ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સામાજિક બંધારણ રજૂ કર્યું છે. સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ, દેખાડા અને કુરિવાજોને ડામવા માટે તૈયાર કરાયેલું આ નવું બંધારણ બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના કુલ 27 તાલુકાઓમાં અમલમાં મૂકવામાં આવશે.

નવા બંધારણ અંતર્ગત સમાજમાં એકસાથે 16 કડક નિયમો ઘડવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ લગ્ન, સગાઈ, મરણ અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવવાનો છે. સગાઈ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી માત્ર 21 વ્યક્તિઓની હાજરી રહેશે અને ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર તથા એક જોડી કપડાં જ આપવાની મંજૂરી રહેશે.

લગ્નપ્રસંગ વર્ષમાં માત્ર બે માસ, મહા અને વૈશાખ સુદ 1 થી 15 દરમિયાન જ યોજી શકાશે. જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિ અને મહત્તમ 11 વાહનો જ લઈ જવાની છૂટ રહેશે. સનરૂફવાળી કાર, લાંબી વાહન કતારો કરી રસ્તા રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 10 વર્ષથી ઉપરના બાળકોને પુખ્ત વ્યક્તિ ગણવામાં આવશે.

લગ્નમાં DJ કે મોટા લાઉડસ્પીકરની જગ્યાએ માત્ર બે ઢોલ અને શરણાઈ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. હલ્દી રસમ, પીઠી, ટૂંઢ, ઓઢામણાં અને લગ્ન લખવાની પ્રથા પર પ્રતિબંધ રહેશે. જમણવારમાં વાનગીઓ મર્યાદિત રાખી એક જ પ્રકારની મીઠાઈ પીરસવાની રહેશે.

મામેરામાં મોંઘા દાગીનાની જગ્યાએ 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાની ભલામણ કરવામાં આવી છે. મરણ પ્રસંગ બાદ માત્ર ખીચડી અને કઢી જ પીરસવાની રહેશે. જન્મદિવસના બિનજરૂરી ખર્ચને રોકી તે રકમ શૈક્ષણિક સંસ્થા અથવા લાઇબ્રેરીમાં દાન કરવાની અપીલ કરાઈ છે.

સામાજિક પ્રસંગોમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તેમજ સમાજના નિયમો વિરુદ્ધ ભાગીને કરાયેલા પ્રેમલગ્નને સમાજ માન્યતા આપશે નહીં.

આ બંધારણને સમાજ સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને ઉત્તર ગુજરાતમાં તેની વિશાળ અસર જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now