Home Sports Nepal T20 Record Kushal Bhurtel 275 Runs

22 છગ્ગા, 22 ચોગ્ગા અને 275 રન... : ચાર દિવસમાં બે વાર વર્લ્ડ ક્રિકેટને હચમચાવ્યું!

Cricket incident
Published by: Aryan Shah
Last Updated: Jun 04, 2026, 01:49 PM IST

Cricket incident : ભારતીય ટીમ ભલે T20 રેન્કિંગ્સમાં ટોપ પર વિરાજમાન હોય, પરંતુ T20 I ક્રિકેટમાં નેપાળ ક્રિકેટ ટીમનો અત્યારે એક અલગ જ દબદબો જોવા મળી રહ્યો છે. T20 I માં ફરી એકવાર નેપાળની ટીમે પોતાની ધાક જમાવી દીધી છે. T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સની એક રોમાંચક મેચમાં મલેશિયા સામે નેપાળે 275 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. T20 ક્રિકેટ ઇતિહાસમાં આ ત્રીજી એવી તક છે, જ્યારે ભારતના પાડોશી દેશ નેપાળે 270 રનથી મોટો સ્કોર બનાવ્યો હોય.

કુશલ ભુર્તેલનો ઇતિહાસ

આ મેચમાં નેપાળના સ્કોર કરતાં પણ વધારે ચર્ચા ટીમના સ્ટાર બેટ્સમેન કુશલ ભુર્તેલની થઈ રહી છે. 29 વર્ષના આ ખૂંખાર બેટ્સમેને પોતાના T20 કરિયરની ત્રીજી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તેણે મલેશિયા સામેની આ મેચમાં માત્ર 54 બોલનો સામનો કરીને 126 રનની યાદગાર ઇનિંગ રમી હતી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પહેલાથી જ તેના નામે હતો અને હવે આ ફોર્મેટમાં નેપાળ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેની સાથે જોડાઈ ગયો છે.

15 વર્ષના વૈભવ માટે બ્રોડકાસ્ટર્સે તોડી વર્ષો જૂની પરંપરા!: ઈન્ડિયા, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે જામશે જબરદસ્ત જંગ

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ

કુશલ ભુર્તેલે મલેશિયા સામે માત્ર 44 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. T20 ઇન્ટરનેશનલમાં નેપાળ તરફથી આ ત્રીજી સૌથી ઝડપી સદી છે. આ પહેલા પણ કુશલ માત્ર 35 બોલમાં સદી ફટકારવાનો અદભુત કારનામો કરી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં કુશલ ભુર્તેલે હવે 78 મેચ રમીને 2240 રન બનાવી લીધા છે, જે નેપાળના કોઈ પણ ખેલાડી માટે સૌથી વધુ છે. આ મામલામાં તેણે પોતાની જ ટીમના દીપેન્દ્ર એરીને પણ પાછળ છોડી દીધો છે, જેના નામે 98 મેચમાં 2211 રન નોંધાયેલા છે.

મલેશિયાની કારમી હાર

આ મેચમાં નેપાળ ક્રિકેટ ટીમે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 275 રન બનાવ્યા હતા. નેપાળની આ તોફાની ઇનિંગમાં કુલ 22 છગ્ગા અને 22 ચોગ્ગા લાગ્યા હતા. આ પહાડ જેવા સ્કોરનો પીછો કરવા ઉતરેલી મલેશિયાની આખી ટીમ 20 ઓવરમાં માત્ર 108 રન જ બનાવી શકી હતી. આ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં મલેશિયાની રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર છે. મલેશિયા તરફથી સૌથી વધુ રન તેમના કેપ્ટન સૈયદ અજીજે બનાવ્યા હતા, જેમણે 45 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી.

વૈભવને મળશે કરિયરની સૌથી મોટી તક!: ભારતીય કેપ્ટનને નડ્યો ICC ટ્રોફીનો શ્રાપ? સૂર્યાના સ્થાને સૂર્યવંશીને મળશે મોકો

ચાર દિવસ પહેલા ચીન સામે તબાહી

તમને જણાવી દઈએ કે, આ પહેલા સિંગાપુરના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારે 31 મેના રોજ પણ એક મોટો ઇતિહાસ રચાયો હતો. 2026 ની એશિયન ગેમ્સ મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્વોલિફાયરની શરૂઆતી મેચમાં નેપાળ અને ચીન સામસામે હતા. આ મેચમાં રનની એવી સુનામી આવી કે ક્રિકેટ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નેપાળે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 313 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો, જેણે T20 ક્રિકેટના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા.

ચીની બોલર્સ સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

ચીન સામેની એ મેચમાં પણ નેપાળી બેટ્સમેન કુશલ ભુર્તેલે ચીની બોલર્સની લાઇન-લેન્થ સંપૂર્ણપણે બગાડી નાખી હતી. ભુર્તેલે મેદાનની ચારેય બાજુ ચોગ્ગા અને છગ્ગાનો ભારે વરસાદ કર્યો હતો. તેણે માત્ર 43 બોલનો સામનો કરીને 129 રનની અણનમ અને તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને રેકોર્ડ બ્રેક 16 અદભુત છગ્ગા ફટકાર્યા હતા. આમ, ચાર દિવસની અંદર જ આ બેટ્સમેને બીજી વાર આ પરાક્રમ કરીને ક્રિકેટ જગતને હલાવી દીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now