NEET UG 2026 પેપર લીક કેસમાં નવા ખુલાસાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં લેવાય તેવી માંગને કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ તપાસ એજન્સીઓની કાર્યવાહી પણ તેજ બની છે. CBIએ પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે, જેમાં પુણેના એક ફિઝિક્સ શિક્ષક અને NTA સાથે સંકળાયેલી લેક્ટરરનો સમાવેશ થાય છે. NEET પરીક્ષાને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સોમવારે સુપ્રીમ કોર્ટમાં NEET UG પેપર લીક મામલે દાખલ અરજી પર સુનાવણી થઈ હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા પરંપરાગત પેન-પેપર મોડને બદલે કમ્પ્યુટર આધારિત મોડમાં લેવાય. જસ્ટિસ પી.એસ. નરસિંહાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે પરીક્ષા આયોજક સંસ્થાઓ સામે અનેક વ્યવહારિક પડકારો છે અને હાલના તબક્કે પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવો શક્ય નથી. કોર્ટે અરજી સંપૂર્ણપણે ફગાવી નથી, પરંતુ મુખ્ય મુદ્દા પર સુનાવણી જુલાઈ સુધી મુલતવી રાખી છે.
પેપર લીક બાદ રદ થઈ હતી પરીક્ષા
NEET UG 2026 પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, પરંતુ પ્રશ્નપત્ર લીક થયાના આરોપો બાદ 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી.
ત્યારબાદ લાખો વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં 21 જૂનના રોજ પુનઃપરીક્ષા યોજાવાની છે.
આ દરમિયાન પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હતા, જેના કારણે સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
કોણે કરી હતી અરજી?
આ મામલે આરજેડી સાંસદ સુધાકર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર સહિત અનેક માંગણીઓ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલે દલીલ કરી હતી કે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવામાં મદદરૂપ બની શકે છે. જોકે કોર્ટે જણાવ્યું કે હાલમાં પરીક્ષા નજીક હોવાથી આવા ફેરફારો અમલમાં મૂકવા મુશ્કેલ છે.
બેન્ચે એ પણ નોંધ્યું કે આવી જ પ્રકારની માંગ અગાઉ પણ કરવામાં આવી હતી અને તેને સ્વીકારવામાં આવી નહોતી.
ત્રણ આરોપીઓને ન્યાયિક કસ્ટડી
બીજી તરફ, પેપર લીક કેસમાં તપાસ આગળ વધી રહી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ વિશેષ અદાલતે ત્રણ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ આરોપીઓમાં NTA સાથે સંકળાયેલી ફિઝિક્સ લેક્ટરર મનીષા સંજય હવાલદાર, મહારાષ્ટ્રના લાતુરના બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ શિરુરે અને પુણેના ફિઝિક્સ શિક્ષક તેજસ હર્ષદ કુમાર શાહનો સમાવેશ થાય છે.
વિશેષ ન્યાયાધીશ અજય ગુપ્તાએ CBIની અરજી પર સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો હતો.
CBIએ શું આરોપ લગાવ્યા?
CBIના જણાવ્યા અનુસાર, મનીષા હવાલદારે અન્ય આરોપીઓ સાથે મળીને કથિત ષડયંત્ર રચ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ છે કે તેમણે કોઈ સત્તાવાર મંજૂરી વિના NEET UGનું પ્રશ્નપત્ર પોતાના કબજામાં રાખ્યું હતું અને નાણાકીય લાભ માટે તેને અન્ય લોકો સાથે શેર કર્યું હતું. તપાસ દરમિયાન અનેક ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. અત્યાર સુધીમાં CBI આ સમગ્ર કેસમાં 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે.
જવાબદારી નક્કી કરવા સુપ્રીમ કોર્ટનો ભાર
આ કેસમાં અગાઉથી જ ડૉક્ટરોના વિવિધ સંગઠનો દ્વારા પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અગાઉની સુનાવણીઓ દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું દાખલ કરીને જણાવવા કહ્યું હતું કે ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ રોકવા માટે કયા નવા પગલાં લેવામાં આવશે. આ મુદ્દા પર પણ જુલાઈમાં સુનાવણી થવાની છે.





