NEET UG 2026 Cancelled: દેશભરના લાખો મેડિકલ ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે NEET UG 2026 પરીક્ષા આખરે પેપર લીકના વિવાદો બાદ રદ કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને અમાન્ય જાહેર કરી હવે નવેસરથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા આ ગંભીર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવી છે. જોકે, પરીક્ષા રદ થવાના સમાચાર સાથે જ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના મનમાં અનેક સવાલો ઉભા થયા છે કે હવે આગળની પ્રક્રિયા શું હશે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું વિદ્યાર્થીઓએ ફરીથી લાંબી ફોર્મ ભરવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? NTA એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે આ કઠોર નિર્ણય લેવાયો છે, પરંતુ તેની વહીવટી પ્રક્રિયાને સરળ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યાં સુધી વિદ્યાર્થીઓએ માત્ર સત્તાવાર જાહેરાતો પર જ ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે.
શું ફરીથી અરજી કરવી પડશે? રજિસ્ટ્રેશન અંગે મોટી સ્પષ્ટતા
NEET UG 2026 માટે અગાઉ જે વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી કરી હતી, તેમને ફરીથી નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. NTA એ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓનું જૂનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે માન્ય રહેશે. તમારી તમામ વિગતો એજન્સીના ડેટાબેઝમાં સુરક્ષિત છે, તેથી ફરીથી ફોર્મ ભરવાની કોઈ કડાકૂટ રહેશે નહીં. જે પરીક્ષા કેન્દ્રોના વિકલ્પો તમે પહેલા પસંદ કર્યા હતા, તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
પરીક્ષા ફીનું શું થશે? શું ફરીથી પૈસા ભરવા પડશે?
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે ફરીથી કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. અગાઉ જે ફી જમા કરાવી દીધી છે તે જ માન્ય ગણાશે. હકીકતમાં, નિયમ મુજબ રદ થયેલી પરીક્ષાની ફી એડજસ્ટ કરવામાં આવશે અથવા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ નવી પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી એક પણ રૂપિયો વધારાનો લેવામાં આવશે નહીં.
CBI તપાસ અને નવી પરીક્ષાની તારીખ
પેપર લીકના મૂળ સુધી પહોંચવા માટે કેન્દ્ર સરકારે હવે CBI ને મેદાનમાં ઉતારી છે. તપાસ એજન્સીઓના રિપોર્ટમાં ગંભીર ગેરરીતિઓ સામે આવ્યા બાદ NTA એ કબૂલ્યું હતું કે પરીક્ષાની પવિત્રતા જોખમાઈ છે. હવે નવી પરીક્ષા ક્યારે યોજાશે તેની તારીખ અંગે NTA ટૂંક સમયમાં શેડ્યૂલ બહાર પાડશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવી પરીક્ષા માટેની તૈયારી ચાલુ રાખે અને નવું એડમિટ કાર્ડ જાહેર થયા બાદ જ આગળની કાર્યવાહી કરે.





