NEET Exam 2026: NEET 2026 પરીક્ષાના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી તરીકે ચર્ચાતા પીવી કુલકર્ણીની ગઈકાલે પુણેમાં ધરપકડ કરવામાં આવી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ તેમને આજે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં સૌથી મોટો સવાલ એ છે કે એક અનુભવી રસાયણશાસ્ત્રના પ્રોફેસર અને પૂર્વ પ્રિન્સિપાલ પેપર લીકના માસ્ટરમાઇન્ડ કેવી રીતે બન્યા?
પીવી કુલકર્ણી કોણ છે?
પીવી કુલકર્ણી છેલ્લા 28 વર્ષથી દયાનંદ કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્યરત હતા. તેમણે પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ પ્રિન્સિપાલનું પદ પણ સંભાળ્યું હતું. લગભગ ચાર વર્ષ પહેલા તેઓ પ્રિન્સિપાલ પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી પણ તેઓ ફ્રીલાન્સર તરીકે વિવિધ કોચિંગ ક્લાસમાં રસાયણશાસ્ત્ર વિષય શીખવતા હતા. તેઓ DEEPER સંસ્થા સાથે પણ જોડાયેલા હતા, જેનો સંબંધ બે વર્ષ પહેલા સમાપ્ત થયો હતો.
NTA સાથેનું કનેક્શન
સૂત્રો અનુસાર, છેલ્લા બે વર્ષથી પીવી કુલકર્ણી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સાથે કોન્ટ્રાક્ટ આધારે રસાયણશાસ્ત્ર નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ NEET 2026 માટે રસાયણશાસ્ત્રનું પેપર તૈયાર કરનારી ટીમમાં સામેલ હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ જ કનેક્શનનો ઉપયોગ કરીને તેમણે પરીક્ષાના પેપર સુધી પહોંચ મેળવી હતી.
પુણે કનેક્શન અને મોક ટેસ્ટ વિવાદ
આ કેસમાં બીજી આરોપી પુણેની મનીષા કુલકર્ણી અને ધનંજય લોખંડેને વિદ્યાર્થીઓ સાથે જોડતી હતી. તપાસ અનુસાર, NEET પરીક્ષા પહેલા એપ્રિલના છેલ્લા અઠવાડિયે કુલકર્ણી પુણે આવ્યા હતા અને "રાજ કોચિંગ ક્લાસ" નામથી ઓનલાઈન ક્લાસ ચલાવતા હતા. આ ક્લાસમાં તેમણે વિદ્યાર્થીઓને આપેલા કેટલાક મોક પ્રશ્નો પછીથી NEET 2026ની વાસ્તવિક પરીક્ષામાં આવ્યા હોવાનો આરોપ છે. આ જ વાતે તપાસ એજન્સીઓનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું.
કૌટુંબિક અને અંગત પૃષ્ઠભૂમિ
કુલકર્ણીના પરિવાર વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. તેમનો મોટો દીકરો વિદેશમાં અભ્યાસ કરે છે. તેઓ લાતુરમાં એક બંગલો ધરાવે છે, જે ભાડે આપવામાં આવ્યો છે. ભાડૂઆતો સાથે તેમનો વ્યક્તિગત સંપર્ક ઓછો હતો. કેટલાક પડોશીઓએ તેમના અગાઉના વ્યવહાર વિશે "420" પ્રવૃત્તિઓના આરોપ પણ લગાવ્યા છે, પરંતુ મોટાભાગના લોકો તપાસના ડરથી આ અંગે ખુલ્લેઆમ બોલવાનું ટાળી રહ્યા છે. હાલમાં સીબીઆઈ અને અન્ય તપાસ એજન્સીઓ આખા પેપર લીક નેટવર્કને ઉઘાડું પાડવાની કામગીરી કરી રહી છે. આ કેસમાંથી વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.





