બગદાણા ખાતે કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા ચકચારી હુમલા કેસમાં હવે નવો વળાંક આવવાની સંભાવના દેખાઈ રહી છે. આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને હાજર થવા ફરમાન જારી કર્યું છે. માહિતી મુજબ જયરાજ આહીર આજે સાંજ સુધીમાં SIT સમક્ષ હાજર થઈ શકે છે.
SITએ જયરાજ આહીરને હાજર થવા આપ્યું ફરમાન!
નવનીત બાલધિયાએ આ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો સીધો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બે દિવસ પહેલાં નવનીત બાલધિયાએ જાહેરમાં નિવેદન આપતાં કહ્યું હતું કે, “મારા પર થયેલા હુમલામાં જયરાજ આહીર સંડોવાયેલો છે.” આ નિવેદન બાદ કેસે વધુ ગરમી પકડી છે.
'નવનીતે દાવો કર્યો હતો કે...'
SIT દ્વારા નવનીત બાલધિયાની લગભગ બે કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ નવનીતે દાવો કર્યો હતો કે તેમણે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને કુલ 15 મહત્વપૂર્ણ પુરાવા સોંપ્યા છે. નવનીતનું કહેવું છે કે, જો SIT આ પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરશે તો હુમલાના મુખ્ય સૂત્રધાર સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ હુમલા કેસમાં અત્યારસુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે કેસ ગંભીર અને વ્યાપક છે. નવનીત બાલધિયાએ વધુમાં એવો પણ દાવો કર્યો છે કે, સામાન્ય કોન્સ્ટેબલ સ્તરના પોલીસ કર્મચારી પણ માની રહ્યા છે કે આ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ છે.
કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા
આ સમગ્ર ઘટનાને લઈ બગદાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. SIT દ્વારા જયરાજ આહીરની હાજરી અને પૂછપરછ બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. હવે સૌની નજર SITની આગળની કાર્યવાહી અને આ કેસમાં થનારા આગામી પગલાં પર ટકી છે.





















