Home International Natures Wrath Fog Causes Fire After A Serious Accident Between Bus Truck 4 Feet Snow In Kedarnath Rain With Hail In Mp

કુદરતનો કહેર : ધુમ્મસને કારણે બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત બાદ આગ, કેદારનાથમાં 4 ફૂટ બરફ અને MPમાં કરા સાથે વરસાદ

કુદરતનો કહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 04:30 AM IST

સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત અત્યારે કુદરતી આફતોના બેવડા માર હેઠળ છે. એકતરફ પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને ગ્લેશિયર તૂટવાની ઘટનાઓ બની રહી છે, તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાજસ્થાનમાં ધુમ્મસના કારણે એક મુસાફર ભરેલી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં લાગેલી આગે અરેરાટી ફેલાવી દીધી છે. મધ્યપ્રદેશના 30થી વધુ જિલ્લાઓમાં માવઠાને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, જ્યારે કેદારનાથ ધામ બરફની ચાદર નીચે ઢંકાઈ ગયું છે.

રાજસ્થાન: ધુમ્મસ બન્યું કાળ, સળગતી બસમાંથી મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યા

રાજસ્થાનમાં માવઠા બાદ છવાયેલા ગાઢ ધુમ્મસે વાહનવ્યવહાર પર બ્રેક લગાવી દીધી છે. બિકાનેરમાં વિઝિબિલિટી 30 મીટરથી પણ ઓછી હોવાને કારણે એક લક્ઝરી બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર 40 મુસાફરોએ જીવ બચાવવા માટે ઈમરજન્સી બારીઓ તોડીને બહાર કૂદકો માર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં શીતલહેરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Image

હિમાચલ અને ઉત્તરાખંડ: ગ્લેશિયર તૂટ્યા અને 4 ફૂટ બરફની ચાદર

હિમાચલ પ્રદેશમાં બરફના વાવાઝોડાએ તબાહી મચાવી છે. ચંબાના ભરમૌરમાં ગ્લેશિયર તૂટી પડતા અનેક મકાનો અને વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. રાજ્યમાં 3 નેશનલ હાઈવે સહિત 889 રસ્તાઓ બંધ છે. બીજી તરફ ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં 4 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. ઠંડીના પ્રકોપને જોતા 8 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. બદ્રીનાથ અને ગંગોત્રીમાં પણ રસ્તાઓ પર બરફ જામી જતાં સંપર્ક કપાઈ ગયો છે.

મધ્યપ્રદેશ: 30 જિલ્લામાં વરસાદ અને કરા, ખેડૂતો પાયમાલ

મધ્યપ્રદેશમાં હવામાનના પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર સહિતના મોટા શહેરોમાં અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. આઠ જિલ્લામાં મોટા કદના કરા પડતા ઘઉં, ચણા અને સરસવના પાકને વ્યાપક નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી 31 જાન્યુઆરીથી ફરીથી વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે.

કાશ્મીર અને પંજાબ: શૂન્ય નીચે તાપમાન અને કડકડતી ઠંડી

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં તાપમાન માઈનસ 9.8 ડિગ્રી સુધી ગગડી ગયું છે. ભારે હિમવર્ષા બાદ હવે જમ્મુ-શ્રીનગર હાઈવે (NH-44) પરથી બરફ સાફ કરવાની કામગીરી પૂર્ણ કરી તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 3.7 ડિગ્રી નોંધાયું છે, જે સિઝનનું સૌથી ઓછું તાપમાન છે.

હવામાન વિભાગની આગામી આગાહી

હવામાન વિભાગની આગામી આગાહી મુજબ, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ આગામી દિવસોમાં પણ રાહત મળવાના કોઈ સંકેત નથી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જ્યાં 29 જેટલા જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડવાનું 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અનેક શહેરોમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, છત્તીસગઢમાં પણ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે રાત્રિના સમયે ધ્રુજારી વધશે. પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદ અને હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડવાની અને ઠંડીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now