DELHI ELECTION 2025: નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવીને સૌને ચોંકાવી દીધા છે. પ્રવેશ વર્માએ કેજરીવાલને કુલ 3,181 વોટથી હરાવ્યા છે. ત્યારે જાણીએ દિલ્હીમાં મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કહેવાતા પ્રવેશ સાહિબ સિંહ શર્માની શિક્ષણથી રાજનીતિ સુધીની સફર કેવી રહી...
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પ્રવેશ
પ્રવેશ સાહિબસિંહ વર્માનો જન્મ 7 નવેમ્બર 1977એ દિલ્હીમાં થયો હતો. પ્રવેશ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત સાહિબ સિંહ વર્માના પુત્ર છે, તેમની માનું નામ રામપ્યારી વર્મા છે. પ્રવેશ વર્માના લગ્ન સ્વાતિ સિંહ સાથે થયા છે. તેઓ એક પુત્ર અને બે પુત્રીઓના પિતા છે.
પ્રવેશ વર્મા પાસે કેટલી છે ડિગ્રીઓ?
પ્રવેશ વર્માએ ઈન્ટરવ્યૂમાં આપેલી જાણકારી મુજબ તેમના પિતા જ્યારે MCDમાં નગરસેવક હતા, જ્યારે પાંચેય ભાઈ-બહેન MCDની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે પોતાની સ્કૂલિંગ આર.કે.પૂરમમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં કરી. તે બાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં કિરોડીમલ કોલેજથી બેચરલની ડિગ્રી મેળવી. હાયર એજ્યુકેશન તેમણે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, કુતુબ ઈન્ટિસ્ટિટ્યૂટ એરિયા, નવી દિલ્હીથી મેળવ્યું. વર્ષ 1999માં તેમણે MBAની ડિગ્રી મેળવી હતી.
પ્રવેશ વર્માનો રાજનીતિક સફર
પ્રવેશ વર્માએ પોતાના રાજનીતિક સફરની શરૂઆત વર્ષ 2013થી કરી. મહરૌલી વિધાનસભા બેઠક પર તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગેન્દ્ર શાસ્ત્રીને તેમણે હરાવ્યા. તે બાદ વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હી બેઠક પર ચૂંટણી લડીને તેમણે જીત મેળવી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મહાબલ મિશ્રાને 5,78,486 વોટના અંતરથી હરાવી નવો રેકોર્ડ બનાવ્યો હતો.
વર્ષ 2025માં પ્રવેશ વર્માને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા. આ વખતે તેમનો મુકાબલો આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે હતો, નવી દિલ્હીને મુખ્યમંત્રીની બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર જીતનારા મુખ્યમંત્રી બનવાના ભૂતકાળમાં અનેક કિસ્સા છે. આ જ બેઠક પર પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ જેવા રાષ્ટ્રીય સ્તરના લોકપ્રિય નેતાને 3 હજાર કરતા વધુ મતોથી હરાવ્યા તે એક મોટી ઉપલબ્ધિ છે.
પ્રવેશ વર્માની સંપત્તિ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ઉમેદવારી ફોર્મમાં પ્રવેશ વર્માએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી. તેમણે ફોર્મમાં આપેલી વિગતો મુજબ તેમની પાસે કુલ રૂ.95 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 77 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે તો તેમના પત્ની પાસે 17.53 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. પ્રવેશ વર્મા પાસે રૂ.11.25 કરોડની જંગમ મિલકત છે, અને તેમના પત્ની પાસે રૂ. 6.91 કરોડની જંગમ મિલકત છે. આ સાથે તેમણે એ પણ બતાવ્યું છે કે તેમના પર 62.60 કરોડ રૂપિયાનું દેવું છે, જેમાં પોતાના ભાઇ સિદ્ધાર્થ સાહિબ વર્માએ 22.59 કરોડની આપેલી રકમ પણ સામેલ છે. પ્રવેશ વર્માના પત્ની પર રૂ. 11.45 કરોડ રૂપિયાની લોન છે.
તીખા નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા પ્રવેશ
પ્રવેશ વર્મા આક્રમક નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે, વર્ષ 2019માં તેમણે અપીલ કરી હતી કે વિશેષ સમુદાયના લોકો સાથે વ્યાપારિક સબંધો ના રાખવા. CAAની સામે આંદોલન કરવા મુદ્દે તેમણે આ નિવેદન આપ્યુ હતું. ત્યારે હવે પ્રવેશ વર્માને નવી કઈ ભૂમિકા સોંપાશે તેના પર નજર રહેવાની છે.





