અજીબ બિમારી, 3 દિવસમાં ટકલા!
સામાન્ય રીતે દર બે ઘરે કોઈ વાળ ખરવાની અને માથામાં ટાલ પડવાની ફરિયાદ કરતું હોય છે કોઈ સારા શેમ્પુથી તો કોઈ તબીબની સલાહ લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરે છે પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું કે કોઈ એક જ પરિવારના અથવા કોઈ એક સોસાયટી કે ચાલીના કે કોઈ આખા ગામના લોકોને અચાનક વાળ ખરી પડવાની બિમારી થાય, અને માત્ર ત્રણ દિવસમાં જ માથે ટાલ પડી જાય?.. માનવામાં ના આવે પરંતુ આવી અજીબોગરીબ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં જોવા મળી છે. માત્ર 3 દિવસમાં ગામના લોકો ટકલા બની રહ્યા છે.
આ નવી બિમારીનું ટેન્શન
ભારતમાં અત્યારે સૌથી વધારે ચીનના HMPV વાયરસની ચર્ચા થઈ રહી છે, દેશભરમાં લોકોમાં ડર જોવા મળી રહ્યો હતો કે આ વાયરસ પણ કોરોનાની જેમ જીવલેણ સાબિત થશે નહીં ને... પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એડવાઈઝરી બહાર પાડીને સ્પષ્ટતા કરી કે આ વાયરસ ખતરનાક નથી, તે જીવલેણ નથી. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. એક વાયરસની ચિંતા માંડ હળવી થઈ ત્યા બીજી એક બિમારીએ સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એક એવી બિમારી જેના લક્ષણો વિશે સાંભળશો તો તમારી આંખો પણ પહોળી થઈ જશે. હા આ બિમારી જીવલેણ તો નથી, પરંતુ ટેન્શન આપનારી તો છે. એક એવી બિમારી જે ત્રણ દિવસમાં કરી દે છે ટકલા. માથાને તેઓ માત્ર હાથ અડાડે છે, અને હાથમાં વાળના ગુચ્છા જ આવી જાય છે. તમારા મનમાં સવાલ ઉઠે કે માત્ર 3 દિવસમાં જ કેવી રીતે માથાના વાળ ખરી જાય અને ટાલ પડી જાય? માનવામાં ના આવે આ વાત પરંતુ આ હકીકત છે.
મહારાષ્ટ્રના 3 ગામોમાં ટકલા બનાવતી બિમારી
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામના લોકોમાં જોવા મળતી અજીબોગરીબ બિમારી દેશભરમાં ચર્ચાના ચકડોળે ચડી છે. ત્રણ દિવસમાં આ ગામડાઓના 60 લોકોના માથે ટાલ પડી ગઈ છે. બુલઢાણા જિલ્લાના ત્રણ ગામ બોન્ડગાંવ, કાલવડ અને હિંગના ગામમાં રહેતા લોકોના માથાના વાળ ખરી રહ્યા છે. અહીં ટાલ પડવાની સમસ્યાનો સામનો વૃદ્ધ કે યુવાનો જ નથી કરતા પરંતુ નાના બાળકો અને બાળકીમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ત્રણ જુદા જુદા ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી 60 લોકોના માથે ટાલ પડી છે. હાથ-પગના વાળ પણ ખરતા હોવાની સમસ્યા અહીં જોવા મળી છે. સ્થાનિક તબીબો પણ આ અંગેનું કારણ શોધી શક્યા નથી. ગામના લોકોમાં આ વિચિત્ર બિમારીને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં વ્યક્તિના માથામાં ખંજવાળ આવવાની શરૂઆત થાય છે, તે બાદ બીજા દિવસથી વાળ ખરવા લાગે છે અને ત્રીજા દિવસે માથે ટાલ પડી જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બિમારીનો ભોગ ગામની મહિલાઓ પણ બની રહી છે. આ વિચિત્ર બિમારીની ઘટનાએ ગામ, જિલ્લાના છેવાડા વટાવી દીધા. આ બિમારીની ચર્ચા મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશભરમાં થઈ રહી છે.
આરોગ્ય વિભાગ દોડતું થયું
આ ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ માટે ધામા નાખ્યા. ગામમાં આવતા પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. હાલ આ રોગથી પીડાતા મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગ્રામજનોને આ સમસ્યાનો સચોટ ઉકેલ નથી મળી રહ્યો. શરૂઆતમાં તબીબોએ એવી આશંકા વ્યકત કરી કે કદાચ કોઈ ખાસ કંપનીના શેમ્પૂના કારણે આ સમસ્યા સર્જાતી હશે, પરંતુ ગામમાં અનેક લોકો એવા છે જેમણે જીવનમાં ક્યારેય શેમ્પુનો ઉપયોગ કર્યો નથી, તે લોકોના વાળ પણ ખરી રહ્યા છે. આ ત્રણેય ગામના લોકો દહેશત વચ્ચે રહેવા મજબૂર થયા છે. આરોગ્ય વિભાગની ટીમ ગામમાં કેમ્પ ચલાવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમના પ્રાથમિક અનુમાન મુજબ વાળ ખરવાની સમસ્યા દૂષિત પાણીના કારણે ઉભી થઈ હશે, પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાની સંભાવના પણ સેવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમે હાલ પ્રાથમિક તબક્કે ગામના લોકોને દવા આપી છે.





