Home Gujarat Names Of Corporators Family Members Missing From Voter List In Ahmedabad

અમદાવાદમાં કોર્પોરેટરના પરિવારજનોના મતદાર યાદીમાંથી નામ ગાયબ! : 4500 મતદારોના નામ ખોટી રીતે રદ કરાયાનો આક્ષેપ, ફોર્મ નંબર 7નો વિવાદ

અમદાવાદમાં કોર્પોરેટરના પરિવારજનોના મતદાર યાદીમાંથી નામ ગાયબ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 07:08 AM IST

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મતદાર યાદીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ગોમતીપુર વોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રૂક્સાનાબેન ઘાંચી સહિત કુલ 112 લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરાતા ભારે હોબાળો મચ્યો છે. આ મામલે આરોપ છે કે વોર્ડમાં હયાત હોવા છતાં આશરે 4500 મતદારોને સ્થળાંતરિત બતાવી તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ખાસ કરીને ફોર્મ નંબર 7નો વ્યાપક દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રૂક્સાનાબેન ઘાંચીના જણાવ્યા અનુસાર, તેમના પતિ, દિયર, નણંદ અને પુત્ર સહિત પાંચ પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાયા છે.

'ત્રણ બુથમાં તો મતદારોને કોઈ નોટિસ આપવામાં આવી જ નથી'

કોર્પોરેટર રૂક્સાનાબેન ઘાંચીએ જણાવ્યું કે, ગોમતીપુર વોર્ડમાં ઘણા પરિવારો છેલ્લા 46 વર્ષથી રહેતા હોવા છતાં તેમને સ્થળાંતરિત બતાવી ખોટા ફોર્મ ભરી નામ રદ કરવામાં આવ્યા છે. બાપુનગર વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોમતીપુર વોર્ડના કામદાર મેદાન પાસેના બુથોમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. કુલ 17 બુથમાં 4500 મતદારો હયાત હોવા છતાં તેમના નામ રદ કરાયા છે. તેમાંના 14 બુથમાં નોટિસ આપવામાં આવી હોવાનો દાવો છે, જ્યારે ત્રણ બુથમાં તો મતદારોને કોઈ નોટિસ આપવામાં આવી જ નથી.

રૂક્સાનાબેન ઘાંચીના ગંભીર આક્ષેપ

આ સમગ્ર ઘટનાને લઈને ગોમતીપુર વિસ્તારના લોકો આજે ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી. રૂક્સાનાબેન ઘાંચીએ આક્ષેપ કર્યો છે કે મતદાન ઓછું થાય તે માટે આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલો ‘વોટ ચોરી’ સમાન છે, જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મતદાર યાદી સાથે થયેલી આ કથિત હેરાફેરીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને તપાસની માંગ ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now