Ban on Ola-Uber : મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં ટ્રાફિકથી બચવા માટે ઘણા લોકો બાઇક ટેક્સીનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ હવે આ સવારી મુશ્કેલ બની શકે છે. મહારાષ્ટ્ર સરકારે ઓલા (Ola), ઉબેર (Uber) અને રેપિડો (Rapido) જેવી મોટી કંપનીઓની બાઇક ટેક્સી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. જો તમે પણ દરરોજ ઓફિસ કે કોલેજ જવા માટે આ સેવાનો લાભ લેતા હોવ, તો તમારે આ નવા ફેરફાર અને તેના કારણો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
સરકારની કડક કાર્યવાહી
મુંબઈમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર બાઇક ટેક્સી સેવાઓ સામે હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે પરિવહન વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, જે કંપનીઓ જરૂરી પરવાનગી વગર બાઇક ટેક્સી ચલાવી રહી છે, તેમની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, જો આદેશનું ઉલ્લંઘન થશે તો કંપનીઓ અને ચાલકો સામે પોલીસ ફરિયાદ (FIR) પણ દાખલ કરવામાં આવશે. આ કડકાઈનો મુખ્ય હેતુ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનો છે.
શા માટે સરકાર કડક બની?
બાઇક ટેક્સી પર પ્રતિબંધ મૂકવા પાછળનું સૌથી મોટું કારણ મુસાફરોની સુરક્ષા છે. સરકારના જણાવ્યા મુજબ, આ કંપનીઓ ઘણીવાર યોગ્ય પરમિટ લીધા વગર જ રસ્તા પર બાઇક ઉતારે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે અનેક કિસ્સાઓમાં બાઇક ચાલકોનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવતું નથી, જે મુસાફરો માટે જોખમી બની શકે છે. ખાસ કરીને મહિલા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ઇમરજન્સી હેલ્પ બટન અને ઇન્સ્યોરન્સ (વીમા) જેવી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે વિભાગે આ કડક નિર્ણય લીધો છે.
જીવલેણ અકસ્માત બાદ લેવાયો નિર્ણય
આ નિર્ણય લેવા પાછળ હાલમાં બનેલી એક ગંભીર ઘટના પણ જવાબદાર છે. નવેમ્બર 2025 માં મુંબઈના મુલુંડ લિંક રોડ પર એક કથિત ગેરકાયદે બાઇક ટેક્સીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા મુસાફરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા અને નાગરિકોમાં સુરક્ષાને લઈને વ્યાપક રોષ જોવા મળ્યો હતો. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને એવું તારણ કાઢ્યું છે કે, જો આવી અનિયંત્રિત સેવાઓ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં વધુ અકસ્માતો થવાની સંભાવના છે.
શું ઓલા-ઉબેરની બધી સેવાઓ બંધ થશે?
બાઇક ટેક્સી પરના પ્રતિબંધના સમાચાર સાંભળીને ઘણા લોકોમાં એવો ફાળો પડ્યો હતો કે શું ઓલા અને ઉબેરની તમામ સેવાઓ બંધ થઈ જશે? પરંતુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રતિબંધ માત્ર બાઇક ટેક્સી (ટુ-વ્હીલર) પૂરતો જ મર્યાદિત છે. આ કંપનીઓની કાર (કેબ) અને ઓટો સેવાઓ કાયદેસરની પરમિટ હેઠળ ચાલે છે, તેથી તે ચાલુ રહેશે. જોકે, ભવિષ્યમાં જો કંપનીઓ સરકારના તમામ સુરક્ષા નિયમોનું પાલન કરે અને કાયદેસરની પરમિટ મેળવી લે, તો સરકાર બાઇક ટેક્સી સેવા પરનો પ્રતિબંધ હટાવવા અંગે પુનઃ વિચારણા કરી શકે છે.





